ગાંધીનગર: બુધવારે અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ગુજરાત સરકારનું આખું મંત્રીમંડળ અમદાવાદ એરપોર્ટ પર ગયું હતું. અહીં મોદીએ મંત્રીઓને સૂચના આપતાં કહ્યું કે, ખૂબ ધગશથી કામ કરો, કારણ કે જનતાએ ખૂબ મોટા આશીર્વાદ આપ્યા છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે તમારા પરિવારની કોઈ વ્યક્તિ કે સગો ઓફિસમાં ન હોવો જોઈએ. આ બાબત ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે તેથી સાવચેત રહેજો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપની સરકારમાં ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિઓ કે મંત્રીઓને પોતાના કાર્યાલયના કામમાં પરિવારની વ્યક્તિ કે સગાંની દખલ સતત થતી રહેતી હતી. આ કારણોસર જે-તે વ્યક્તિ પર ભ્રષ્ટાચારના છાંટા ઉડ્યા હોવાથી ભાજપે ગુજરાતની નવી બનેલી સરકાર પાસે આ અંગે કડક આગ્રહ સેવ્યો છે.
આ સિવાય મંત્રીઓને શીખ આપવામાં આવી છે કે, તેમણે સૌએ સોમવારથી લઈને શુક્રવાર સુધી સચિવાયલની પોતાની ઓફિસમાં જ ઉપલબ્ધ રહેવાનું છે. પોતાના મતવિસ્તાર કે અન્ય પ્રવાસ માટે શનિવાર અને રવિવારનો દિવસ ફાળવવો પડશે. ધારાસભ્યો, સાંસદો કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોને ન્યાય આપવાનો રહેશે.
મંત્રીઓના PA-PS પણ કમલમમાંથી નક્કી કરાશે
નવનિયુક્ત મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે અને કામગીરીની શરૂઆત કરી છે, પરંતુ તેમની મદદમાં તેમના અંગત સ્ટાફની નિમણૂક થઈ નથી. ગત વખતની જેમ આ વખતે પણ મંત્રીઓના પીએ અને પીએસનું લિસ્ટ કમલમમાંથી આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. મંત્રીઓને કોઈ ચોક્કસ અધિકારીને અંગત સચિવ તરીકે રાખવા હશે તો તેના નામની ભલામણ પણ તેમણે પાર્ટીમાં કરવી પડશે.
સપ્ટેમ્બર-2021માં ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે તમામ મંત્રીઓમાં જે નો રિપીટ થિયરી અમલી બનાવી હતી, તેવી જ થિયરી મંત્રીઓના પીએ-પીએસ માટે પણ લાગુ કરવામાં આવી હતી. પરિણામે અગાઉના મંત્રીઓના પીએ- પીએસ રહી ચૂકેલા એકપણ અધિકારીને નિમણૂક આપવામાં આવી ન હતી. આ વખતે પણ નવા મંત્રીઓને તેમના સ્ટાફની નિમણૂક કરવાની સત્તા નહીં મળે. જે મંત્રીઓ રિપીટ થયા છે તે તેમનો સ્ટાફ યથાવત્ રાખી શકશે.
હાલ સરકારે હંગામી ધોરણે તમામ મંત્રીઓને ત્યાં પીએ- પીએસ તરીકે અધિકારીઓની નિમણૂક કરી છે. આ ઉપરાંત મંત્રીઓના અંગત માણસો પણ મંત્રીને મદદ કરી રહ્યા છે, પરંતુ એકાદ અઠવાડિયામાં પાર્ટી તરફથી તમામ મંત્રીઓના પીએ- પીએસની યાદી આખરી કરીને તેમને નિમણૂક આપવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીએ પોતાના સ્ટાફમાં અંગત વ્યક્તિ રાખવી હોય તો તેની માત્ર ભલામણ કરી શકશે, વિગતો ચકાસ્યા બાદ મંજૂરી આપવામાં આવશે.

