ગાંધી જન્મસ્થળના સમારકામના બદલે ચાર માસથી વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ

Wednesday 21st December 2022 06:03 EST
 
 

પોરબંદરઃ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, પરંતુ ગાંધીજીનું જન્મસ્થળ જર્જરિત બન્યું હોવાથી પ્રવાસીઓએ માત્ર નીચેનો ઓરડો નિહાળી પરત ફરવું પડે છે. પુરાતત્ત્વ ખાતાએ તેના સમારકામના બદલે ચાર માસ પૂર્વે વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મૂક્યું હતું, પરંતુ કામ શરૂ કરાયું ન હોવાથી પ્રવાસીઓમાં રોષ જોવા મળે છે.
પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે વર્ષભર દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ આવતા હોય છે ગાંધીજીનો જન્મ થયો એ ત્રણ માળની ઇમારત છે, જ્યાં નીચેના માળે તેઓનો જન્મ થયો એ ઓરડો અને ઉપરના માળે વિવિધ ઓરડાઓની દીવાલોમાં દુર્લભ પેઇન્ટિંગ તથા જીવનચરિત્ર દર્શાવતાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. ઉપરાંત ગાંધીજીનો સ્ટડી રૂમ, પૂજા રૂમ સહિતના ઓરડા આવેલા છે. પરંતુ ઉપરના બંને માળ બિસ્માર હોવાથી પુરાતત્ત્વ ખાતાએ અઢી વર્ષ પૂર્વે ઉપર જવાના રસ્તે પાર્ટિશન મૂકી તાળાં લગાવી દીધાં હતાં અને પાર્ટિશન પર ઉપરના બંને માળના ફોટો મૂક્યા હતા, જેથી પ્રવાસીઓએ ઉપરના માળના માત્ર ફોટો જોઈ નિરાશ થઈને પરત ફરવું પડે છે. ગાંધીજયંતી નિમિત્તે મુખ્યમંત્રી સહિત આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ આવવાના હોવાથી તેના આગમન પહેલાં પુરાતત્ત્વ ખાતાએ વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મૂક્યું હતું, જેથી મહાનુભાવોને એમ લાગ્યું હતું કે ગાંધીજીના જન્મસ્થળના સમારકામની કામગીરી પ્રગતિ હેઠળ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ સુધી આ સ્થળની સ્થિતિ જેમની તેમ જ છે, કોઈ કામ શરૂ થયું નથી. હાલ ડિસેમ્બર માસમાં પ્રવાસીઓ ત્રણ ગણા વધ્યા છે. સ્કૂલ બસ તેમજ પ્રવાસી બસ મોટી સંખ્યામાં આવે છે. દૂરદૂરનાં રાજ્યોમાંથી રોજના અઢીથી ત્રણ હજાર પ્રવાસીઓ કીર્તિમંદિર ખાતે મુલાકાતે આવે છે, પરંતુ તેઓ માત્ર નીચેના ઓરડાની મુલાકાત લઈ નિરાશ પરત ફરે છે. ત્યારે વહેલીતકે સમારકામ કરી તમામ માળ ખુલ્લા મૂકવામાં આવે તેવી માગ ઊઠી છે.


comments powered by Disqus