ગાંધીનગર: ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક. સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ચૂંટણીની જાહેરાત પહેલાં ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ગિફ્ટ સિટીનો વિસ્તાર ત્રણ ગણો વધારી આપ્યો છે, એટલે કે ગિફ્ટ સિટીનો હાલનો વિસ્તાર ૧૦૬૫ એકરથી વધારીને ૩૩૧૮ એકર કરી અપાયો છે. ગિફ્ટ કંપનીની માગણીને ધ્યાને લઈને સરકારે ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે એરિયાને વધારી આપ્યો છે, જેને લઈને હવે આગામી સમયમાં અમદાવાદ-ગાંધીગર ટ્વિન સિટી બની જશે.
ગિફ્ટ સિટી એ વૈશ્વિક વ્યવહારો માટે તેમજ આઇટીનું હબ ગણાય છે. હાલમાં અહીં NSE, IMDIA INX, IIB X અને IFSCA જેવી ઈન્સ્ટિટ્યૂટ મોજૂદ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ ગિફ્ટ સિટીના વિકાસ માટે તમામ મદદ કરાઈ રહી છે. આવા સમયમાં ગિફ્ટ સિટીનો વૈશ્વિક વિકાસ થઈ રહ્યો હોવાથી તેનો વિસ્તાર વધારવો જરૂરી હતો.

