ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર પ્રસ્તાવ પર ચર્ચા મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના તમામ 17 ધારાસભ્યોએ નવનિયુક્ત અધ્યક્ષ દ્વારા સમય ન અપાયો હોવાનો આક્ષેપ કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. આ સાથે કોંગ્રેસ ધારાસભ્યોએ સરકાર અને અધ્યક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, રાજ્યપાલના સંબોધનની નકલ એમને મળી નથી. ઉપરાંત કામકાજ સલાહકાર સમિતિની રચના પણ કરવામાં આવી નથી. જે તમામ નિયમોમાં વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 3 દિવસ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવી જોઈએ. અમે અધ્યક્ષનું પણ નિયમોના ઉલ્લંઘન અંગે ધ્યાન દોર્યું છે. નેતા નક્કી કરવાનો કોઈ સવાલ જ નથી. નામ નક્કી કરી અમારે અધ્યક્ષને મોકલવાનું હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શંકર ચૌધરીને અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લોકશાહીના આ મંદિરમાં ઉજ્જવળ પરંપરાને જાળવી રાખવા તેમજ પૂર્વ અધ્યક્ષોએ કરેલા નિર્ણયોને જીવંત રાખી સભાગૃહના સૌ સભ્યોના સહિયારા પ્રયાસમાં નવનિયુક્ત અધ્યક્ષનું માર્ગદર્શન સતત મળતું રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

