ઘોરાડ સંવર્ધન માટે 3 રાજ્યો પાસે દરખાસ્ત મગાઈ

Wednesday 21st December 2022 05:47 EST
 
 

ભુજઃ ગુજરાત સરકાર અને વન ખાતાની ગંભીર બેદરકારીના લીધે ઘોરાડનું બ્રીડિંગ સેન્ટર કચ્છમાં સ્થપાવાના બદલે રાજસ્થાન ચાલ્યું ગયું હતું. વર્ષો બાદ પણ રાજ્ય સરકાર અને વનખાતું કોઈ પગલાં ભરી શકતું નથી. અભયારણ્યની બહાર હવે માત્ર ચાર માદા ઘોરાડ માંડ બચ્યાં છે, તેવામાં હવે પર્યાવરણ મંત્રાલય હેઠળ આવતી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સમિતિમાં કચ્છમાં ઘોરાડનાં સંવર્ધન કેન્દ્ર સ્થાપવા પર ચર્ચા કરાઈ હતી.
મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યએ આ અંગે વાતચીત કરતાં સમિતિના ચેરમેને આ બંને રાજ્યો તથા ગુજરાતને ઘોરાડ સંવર્ધન સેન્ટર સ્થાપવા માટે દરખાસ્ત મોકલવા આદેશ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ઘોરાડ અભયારણ્યમાં ગેસ લાઇનની મંજૂરીની દરખાસ્ત અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં ઘોરાડની ઘટતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી તેના સંવર્ધન સેન્ટરની સંભાવના ચકાસાઈ હતી.
સમિતિ સભ્ય ડો. એચ.એસ. સિંઘે રાજસ્થાનથી એક કિશોર ઘોરાડ લાવી સંવર્ધન સેન્ટર બનાવવા વાત કરી હતી. જો કે તેની સામે રાજસ્થાનના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને જણાવ્યું હતું કે, રાજસ્થાનના સામ અને રામદેવરામાં આવેલાં સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઘોરાડની સ્થાપક વસ્તી તરીકે સેવા આપશે અને આ ઘોરાડની બીજી કે ત્રીજી પેઢીને જંગલમાં છોડવામાં આવશે. કમિટીના અધ્યક્ષે કહ્યું હતું કે, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યોએ તેમનાં રાજ્યોમાં સંરક્ષણ સંવર્ધન કેન્દ્રોની સ્થાપના માટે દરખાસ્તો સબમિટ કરવી જોઈએ.


comments powered by Disqus