રાજકોટ: કેન્દ્ર સરકારે ડિફેન્સ સંબંધિત અનેક વસ્તુની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ આયાત બંધ થવાથી આ સંસાધનોના ઉત્પાદનનું આશરે રૂ. 2,32,000 કરોડ રૂપિયાનું માર્કેટ દેશમાં ખૂલ્યું છે. આગામી ચાર વર્ષમાં આ માર્કેટ રૂ. 4 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદનમાં ગુજરાત દેશનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે તેમ ડિફેન્સ વિભાગના નિવૃત્ત મેજર જનરલ અશોક કુમારે જણાવ્યું હતું.
એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતું રાજકોટ ડિફેન્સ ઉદ્યોગમાં પણ આત્મનિર્ભર બને તે માટે લઘુ ઉદ્યોગ ભારતી આગળ આવ્યું છે અને આ માટે કવાયત પણ હાથ ધરાઈ છે. તાજેતરમાં ઔદ્યોગિક પ્રદર્શનના આયોજન બાદ ગુરુવારે ડિફેન્સને ઉપયોગી ઉપકરણોના સપ્લાય અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિફેન્સ વિભાગના ત્રણ નિવૃત્ત અધિકારી મેજર જનરલ અશોક કુમાર, કર્નલ સંજય ડઢાણિયા, બ્રિગેડિયર અરવિંદ સિંહ હાજર રહ્યા હતા અને તેમણે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે વાતચીત કરી હતી. તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નનું નિરાકરણ કર્યું હતું.
સંરક્ષણ ઉપકરણો માટે અન્ય દેશોની ભારત સામે મીટઃ નિવૃત્ત મેજર જનરલ
વિશ્વમાં અમેરિકા હથિયારનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર છે, પણ તેની વિશ્વસનીયતા ઘટી રહી છે. બીજા ક્રમે રહેલું રશિયા પોતે યુદ્ધમાં ખુંપાયેલું છે. એટલે આજે રશિયાને ખુદને સંરક્ષણ ઉપકરણોની જરૂર પડે છે. ચીનની વિસ્તારવાદી નીતિથી વિશ્વના દેશો ત્રસ્ત છે. આથી, સંરક્ષણ ઉપકરણો માટે દુનિયાના દેશો ભારત તરફ મીટ માંડીને બેઠા છે. આમ દુનિયાનું એક મોટું માર્કેટ પણ ઉદ્યોગકારો માટે ખૂલ્યું છે. કેન્દ્ર સરકારે વર્ષ 2025 સુધીમાં 35 હજાર કરોડ રૂપિયાની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ટાર્ગેટ તમે જ પૂરો કરવા માટે સક્ષમ છો તેમ ઉદ્યોગપતિને રિટાયર્ડ મેજર જનરલ અશોક કુમારે
જણાવ્યું હતું.

