બન્નીના હોડકોમાં મલ્લકુસ્તી જોઈ સ્થાનિકો બોલ્યા 'મજા અચી વૈ'

Wednesday 21st December 2022 05:43 EST
 
 

ભુજઃ ભુજની ઉત્તર દિશાએ આવેલા બન્ની વિસ્તારના હોડકો ગામ ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 14માં પશુમેળાનું રવિવારે સમાપન થયું હતું. બે દિવસીય પશુ મેળા દરમિયાન પશુ લે-વેંચ સાથે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. તેમાં કચ્છી રમત બખ મલાખડાએ લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. સદીઓ જૂની સ્થાનિક રમત નિહાળવા અંદાજિત બે થી ત્રણ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં લોકોએ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા કીકીયારીઓ અને બુમો પાડી વાતવરણને ગજાવી મૂક્યું હતું. કુસ્તીના કુલ 5 રાઉન્ડ યોજાયા હતા જેમાં 25 જેટલા સ્થાનિક સ્પર્ધકોએ
ભાગ લીધો હતો. તેમાં 1 થી 3 ક્રમાંક સુધીના વિજેતાને આયોજકો તરફથી રોકડ પુરસ્કાર અપાયા હતા, તો લોકોએ પણ બક્ષિસ આપી ખુશી જાહેર કરી હતી.
ભુજથી 63 કિલોમીટર દૂર બન્ની વિસ્તારના હોડકો ગામ ખાતે આયોજિત 14માં પશુ મેળાના સમાપન દિવસે બખ મલાખડો નિહાળવા કચ્છી લોક સંસ્કૃતિ ઝળકાવતા સ્થાનિક લોકો પારંપરિક વસ્ત્રમાં ઉમટી પડ્યા હતા. શિયાળાના દિવસોમાં પણ આકરા લાગતા તડકાને ભૂલી ઘેરાયેલા માનવ મહેરામણ વચ્ચે બે પહેલવાનો એકમેકને પછાડવા ઝોર અજમાવતા નજરે ચડ્યા હતા. પરંપરાગત રમતનો નજારો માણવા જિજ્ઞાસુ લોકો પણ જમીન પર બેસી રમતમાં મશગુલ થઈ ગયા હતા. નોખી ભાત પાડતી આ
અનોખી રમત કચ્છી સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવે છે. જેને જોઈ દરેક લોકો બોલી ઉઠે છે, મજા અચી વૈ.


comments powered by Disqus