ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત 2036માં યોજાનારી ઓલિમ્પિક્સ રમતોની યજમાની કરી શકે તે હેતુથી અમદાવાદના સર્કિટ હાઉસમાં એક બેઠક કરી હતી. રાજ્ય સરકારની તૈયારી અંગેની સમીક્ષા કરવા માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી અને સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરીને ગુજરાતમાં ઓલિમ્પિક્સની અલગ-અલગ ઇવેન્ટ્સ યોજવા માટે ક્ષમતા ધરાવતાં સ્થળો અને માળખાકીય સુવિધા બાબતે માહિતી મેળવી હતી.
ગુજરાત સરકારના રમતગમત વિભાગના સચિવ અશ્વિની કુમારે કરેલા પ્રેઝન્ટેશનમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમ, નારણપુરામાં ઊભા થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીનગરના સાઇ સહિતનાં મેદાનો, તેમજ વોટર સ્પોર્ટ્સ અને માઉન્ટેનિયરિંગ જેવી રમતો માટે અમદાવાદ રિવરફ્રન્ટ, અરવલ્લીની ગિરિમાળાઓ, જૂનાગઢ, શિવરાજપુર અને માંડવી બીચ, નર્મદા નદી, સાપુતારા અને સુરત સહિતનાં સ્થળો અંગેની માહિતી રજૂ કરી હતી.
અમિત શાહે ગુજરાતના અમદાવાદ સહિતનાં વિવિધ સ્થળોએ ખેલાડીઓને રહેવા તથા કોચિંગ સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે સૂચના આપી હતી.

