ચાંગાઃ ચારુસેટ કેમ્પસ માટે રૂ. 1 કરોડનું દાન આપનારા મૂળ અલીન્દ્રાના વતની અને હાલમાં ચેન્નઈસ્થિત જયંતીભાઈ રામભાઈ પટેલ (એનઆરપી પ્રોજેક્ટ્સ પ્રા.લિ.)ને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 20 ડિસેમ્બરે દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
આ પ્રસંગે જયંતીભાઈ પટેલના પરિવારની સાથે માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ-CHRFના મંત્રી એમ.સી. પટેલ, સહમંત્રી, ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો, વિવિધ કોલેજના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
પ્રિન્સિપાલ આર.વી. પટેલે જયંતીભાઈ પટેલની ઓળખ કરાવતાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ડિગ્રી લીધા વિના તેમણે પોતાની આગવી કોઠાસૂઝ નામના-ચાહના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં છે. તેમની ISO સર્ટિફાઇડ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપની નદી-નાણાં અને પાણીના પ્રવાહ નીચે ખોદકામ કર્યા સિવાય ગેસ અને ઓઇલ પાઇપલાઇન પસાર કરવામાં માહેર છે. જેમાં 200માં ગાજણા પાસે મહિસાગર નદી નીચે 2100 મીટર લાંબી પાઇપલાઇન નાખવાનો વિક્રમ નોંધપાત્ર છે. તેઓ વ્યવસાય હેતુ શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકામાં પણ કાર્યરત્ છે, જે આપણા વિદ્યાર્થીઓ માટે અનુકરણીય છે. ચેન્નઈમાં પાટીદાર સમાજના ભવનના નિર્માણમાં અને સમાજ થકી ચાલતી પ્રવૃત્તિઓમાં તેઓએ મોખરે રહી દાન આપ્યું છે. ઉપરાંત તેમણે ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલને
રૂ. 1 કરોડનું માતબર દાન આપ્યું છે.

