અમદાવાદ: રાજ્યભરમાં જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધવામાં આવેલાં ધાર્મિક બાંધકામોના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સ૨કા૨ને નિર્દેશ આપ્યો છે કે, આ અંગે ગૃહસચિવ સમક્ષ જવાબ રજૂ કરે. જો જવાબ રજૂ ન કરે તો ગૃહસચિવ હાઇકોર્ટ સમક્ષ હાજર રહે. આ કેસની વધુ સુનાવણી 9 જાન્યુઆરીએ હાથ ધરાશે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટપણે કહ્યું છે કે, આ અરજીમાં જોઇન્ટ સેક્રેટરી કે અન્ડર સેક્રેટરીનો જવાબ સ્વીકારીશું નહીં. ગૃહસચિવ દ્વારા કરવામાં આવનારા આ સોગંદનામામાં આઠ મહાનગરપાલિકા વિસ્તાર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં રસ્તાઓ પર અનઅધિકૃત બનેલાં ધાર્મિક બાંધકામોની વિગતો રજૂ કરવામાં આવે. સરકારી વકીલે રજૂઆત હતી કે, કોરોનાના કારણે પ્લાન લાગુ કરવામાં અડચણો ઊભી થઈ હતી. જેથી થોડો સમય આપો.
અમદાવાદમાં 1601 ગેરકાયદે ધાર્મિક બાંધકામ
રાજ્ય સરકારે રજૂ કરેલા ડેટા મુજબ માર્ચ-2019 સુધી રાજ્યમાં 14,330 અને વર્ષ 2017સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં 5264 સ્થળો પર આ પ્રકારનાં અનઅધિકૃત રીતે ધાર્મિક બાંધકામ થયાં છે. જેમાં અમદાવાદમાં 1601 જેટલાં સ્થળો હોવાનું દર્શાવ્યું છે.
