ગાંધીનગર: ભાજપ એક ચૂંટણી પૂરી થાય એટલે તરત જ તે પછી આવતી બીજી ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય છે. હમણાં જ 156 બેઠકો સાથે વિધાનસભા ચૂંટણીમાં વિક્રમ બનાવ્યો અને પાર્ટીએ મનોમંથન શરૂ કરી દીધું છે. જો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો અને સમીકરણોની આ સમીક્ષા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી છે. 2024માં યોજાનારી આ ચૂંટણી માટે ભાજપે સોમવારે બે બેઠકો કરીને તેના માટેનો અંદાજ મેળવ્યો હતો.
સવારે ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રદેશ, જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન ચાલેલાં સમીકરણો અને ભાજપને મળેલા મતો અંગેની છણાવટ કરી હતી. સાંજે મુખ્યમંત્રી આવાસ પર ભાજપની કોર કમિટીની બેઠક મળી
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, આ બંને બેઠકોમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ચર્ચા કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પ્રોત્સાહક છે તેથી તેમાં કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ તેનાં પરિણામોની થયેલી સમીક્ષા હવે આગામી લોકસભાની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને કરાઈ છે.
