સુરત: પાકિસ્તાનના કરાચી સ્થિત કથિત ISI એજન્ટ હમીદ ઉર્ફે પૂનમ શર્મા સાથે સુરતના દીપક સાળુંકેએ કરેલું વોટ્સએપ ચેટિંગ તેના મોબાઇલ ફોનમાંથી સુરત એસ.ઓ.જી.ને મળી આવ્યું હતું. મે મહિનાથી નવેમ્બર સુધી કરેલા ચેટિંગના દેશદ્રોહને લગતા સંખ્યાબંધ પુરાવા પોલીસને મળ્યા હતા. ચાલાક દીપક સાળુંકે પાકિસ્તાની એજન્ટ સાથે બે ડમી નામથી વાત કરતો હતો. પ્રદીપ BSFના નામથી આર્મી જવાન બનીને તથા ભરત રાજપૂતના નામે હવાલા ઓપરેટર બનીને વાત કરતો હતો.
ગુનાની તપાસ કરી રહેલી એસ.ઓ.જી.એ દીપકને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. પોલીસને દીપકના મોબાઇલ ફોનમાંથી બંને નામથી કરેલા ચેટિંગના પુરાવા મળી આવ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત દીપક સાળુંકેએ પ્રદીપ BSF બનીને વાત કરી છે તે ગંભીર લાગી છે. ૨૩મી મેથી ૨૮મી મેના પાંચ દિવસ દરમિયાન કરેલી વાતચીતના કેટલાક અંશો પ્રમાણે પ્રદીપે પાકિસ્તાની એજન્ટ હમીદ દ્વારા ઉપયોગમાં લેવાતા ભારતીય સિમકાર્ડ પહોંચાડવાની વાત કરી હતી, જે માટે રૂપિયાની પણ ડિમાન્ડ કરી હતી. પ્રદીપ બનીને વાત કરતો દીપક પોતાની પાસે પહેલા દિવસે ૧૭થી ૧૮ સિમકાર્ડ હોવાનું અને ૨૮મીએ ૩૦ સિમકાર્ડ હોવાનું જણાવે છે અને તેનું પેમેન્ટ કરવા પણ જણાવે છે, સામે પાકિસ્તાની એજન્ટ સિમકાર્ડ માટે ઝડપથી આવવાનું કહે છે.
પોતાનો મિત્ર આર્મીમાં હોવાનું કહી પોતે જ ચેટિંગ કર્યું
આરોપીની કબૂલાત પ્રમાણે તેણે હવાલાનાં નાણાં ફેરવવા માટે ફેસબુકમાં હવાલા હુન્ડીના નામે ચાલતા ગ્રૂપમાં ભરત રાજપૂતના નામે એકાઉન્ટ ખોલાવ્યું હતું. તે વખતે ISI એજન્ટ હમીદે પૂનમ શર્માના નામે પાકિસ્તાની કરન્સી ટ્રાન્સફર કરવાને નામે ઓળખ કરી હતી. બાદમાં પોતે ISI એજન્ટ હોવાનું જણાવી જાસૂસી માટે રૂપિયા આપવાનું કહેતાં દીપકે પોતાનો એક મિત્ર પ્રદીપ BSFમાં હોવાનું જણાવી પોતાનો જ બીજો નંબર આપ્યો હતો. બીજા નંબરથી પ્રદીપ બનીને વાત કરી સિમકાર્ડ આપવાના નામે નાણાં ખંખેર્યાં હતાં.

