60 હજાર સિક્કા ચૂકવી કાર ખરીદી

Friday 24th June 2022 05:17 EDT
 
 

ધર્મપુરી: તમિલનાડુના ધર્મપુરીમાં એક વ્યક્તિએ 6 લાખ રૂપિયાની કાર ખરીદી છે. જોકે નવાઇની વાત એ છે તેણે નાણાંની ચૂકવણી ખણખણતા સિક્કામાં કરી હતી. 10-10 રૂપિયાના 60 હજાર સિક્કા લઈને કાર ખરીદવા ગયો હતો. આવું એણે એટલા માટે કર્યું હતું કે કેમ કે તેની દુકાન પર જે સિક્કા આવતા હતા તે કોઈ ગ્રાહક પરત લેવા તૈયાર નહોતું.
ઉલ્લેખનીય છે કે 10 રૂપિયાનો સિક્કો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જારી થયેલું સત્તાવાર ચલણ હોવા છતાં ઘણા રાજ્યોમાં ગ્રાહકો અને દુકાનદારો દસનો સિક્કો લેવાનું નકારી દે છે. આવા લોકોને બનાવટી સિક્કાની આશંકા હોય છે. આથી લોકોમાં જાગૃતિ આણવાના ઉદ્દેશથી ધર્મપુરીના વેત્રિવેલે પોતાની દુકાને આવેલા 10 રૂપિયાના સિક્કા એકઠા કરીને કાર ખરીદવાનું નક્કી કર્યું હતું. તે કારના શો રૂમ પર 6 લાખ રૂપિયાના સિક્કા લઈને પહોંચી ગયો હતો. વેત્રિવેલ કહે છે કે હું આ સિક્કાને બદલવા માટે બેંક પર પણ ગયો હતો. જોકે, બેંકવાળાએ પણ તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી. બેંક અધિકારીઓનું કહેવું હતું કે આ સિક્કાને ગણવા તેમની પાસે માણસો નથી. વેત્રિવેલની માતા દુકાન સંભાળે છે અને તેમની દુકાન પર જે પણ ગ્રાહક 10ના સિક્કા આપે છે તે સ્વીકારી લે છે, પરંતુ બીજા ગ્રાહકો તે સ્વીકારવા તૈયાર નહોતા. આથી વેત્રિવેલે આ જ સિક્કા વડે કાર ખરીદવા નિર્ણય કર્યો હતો.


comments powered by Disqus