અમદાવાદ: શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોમાં 9 કેસના આશિંક ઘટાડા સાથે રવિવારે કોરોનાના 117 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 78 દર્દીઓ કોરોનાથી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે શહેરમાં વધતા જતા કોરોનાના કેસ ચિંતાનો વિષય બન્યા છે.
નવા નોંધાયેલા કેસો જોધપુર, પાલડી,નવરંગપુરા સહિત પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન, ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે બહારગામથી આવનારના કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે. રવિવારે રજાના દિવસે જાહેર પરિવહનના સ્થળોએ મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. એટલે તેમનું કોવિડ ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં કાલુપુર રેલવે સ્ટેશને 18 જેટલા લોકોના RT-PCR ટેસ્ટ કરીને તેમના સેમ્પલ લેવાયા હતા.
કોરોનાની ચોથી લહેરની એન્ટ્રી,
રસી નહીં લેનારા જોખમી પુરવાર થશે
ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી થઈ છે. આ જોતા નિષ્ણાતોના મતે ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરનું આગમન થઈ ચૂક્યું છે પરિણામે લોકોએ સાવધાની વર્તવાની જરૂર છે. આ ઉપરાંત એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે રસીનો ડોઝ નહીં લેનારા લોકો જ જોખમી પૂરવાર થઈ શકે છે. જોકે, મૃત્યુઆંક નહિંવત છે છતાંય જે લોકોએ રસીના બંને ડોઝ લીધા હોય તેમણે પણ બુસ્ટર ડોઝ લેવાની સલાહ અપાઈ છે.
રાજ્યમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે. આખાય ગુજરાતમાં અમદાવાદ ટોપ રહ્યું છે. હાલ રાજ્યમાં કુલ 1374 કોરોનાના એક્ટિવ કેસો છે. રવિવારે પણ ગુજરાતમાં કુલ 244 કેસો નોંધાયા હતાં. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરનું કહેવું છે કે કેરળ સહિતના અન્ય રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે ચિંતાજનક છે. દેશની સ્થિતિને જોતાં કોરોનાની ચોથી લહેર આવી ચૂકી છે. જોકે, સારી વાત એ છે કે આ વખતે મૃત્યુઆંક નહિવત છે. આમ છતાંય 60 વર્ષથી વધુ વયના હોય, ડાયાબિટિસ સહિત અન્ય બીમારીઓ હોય તેવા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
કોરોનાની સ્થિતિ હળવી છતાં લોકોએ રસી લેવાનું ય ટાળ્યું છે. આ જોતાં રસી નહીં લેનારાની સંખ્યા ઘણી મોટી છે. ડો. માવલંકરે ચિંતા વ્યક્ત કરી છે કે, રસી નહીં લેનારા જ કોરોનાના વાહ બની શકે છે. આ લોકો જ જોખમી પૂરવાર થઈ શકે છે. જે લોકોએ રસી લઈ લીધી હોય તેમણે બુસ્ટર ડોઝ પણ લઈ લેવા હિતાવહ છે.

