આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છેઃ વડા પ્રધાન

Wednesday 22nd June 2022 04:46 EDT
 
 

હાલોલ: શક્તિપીઠ પાવાગઢમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે સદીઓ પછી મા કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણને સૌને નવી પ્રેરણા અને ઊર્જા તો આપે છે, પરંતુ સાથે સાથે આધ્યાત્મની આપણી મહાન પરંપરાને સમર્પિત ભાવથી જીવવા પણ પ્રેરિત કરે છે. અયોધ્યા, કાશી કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે.
શક્તિ અને સાધનાની વિશેષતા
આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢનું સૌભાગ્ય મળ્યું છે. મારું જીવન ધન્ય થઈ ગયું. સપનુ સંકલ્પ બનતું હોય અને તે સિદ્ધ થતું હોય તો આનંદ થાય છે. આજથી થોડા દિવસ બાદ આ જ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનું મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્તિ સુપ્ત અને લુપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશીર્વાદથી આ જ શક્તિનું પ્રાગટય જોઈ રહ્યાં છીએ. સદીઓ બાદ મહાકાળીનું આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.
આસ્થાનું શિખર રહે છે શાશ્વત
તેમણે કહ્યું કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એક વાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનું પ્રતીક નથી, સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે તેનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, મને મહાકાળી મંદિરમાં ધ્વજારોહણ અને પૂજાની તક મળી. માતા મને પણ આશીર્વાદ આપે કે, હું વધુ ઊર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરું. મારું જે પણ સામર્થ્ય છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે, તે હું દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે સમર્પિત કરું છું.
દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા
વડા પ્રધાને કહ્યું હતું કે, સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યું છે. આજે તેમનું સપનું પૂરુ થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ છે. પાવાગઢ ડુંગર પરથી ધ્વજારોહણ પ્રસંગે વડા પ્રધાને ગુજરાતના તમામ માતાજી ને યાદ કર્યા હતા. જેમાં બનાસકાંઠાના અંબાજી માતા, પાવાગઢમાં મહાકાળી મા, ચોટીલામાં ચામુંડા મા, ઊંઝામાં ઉમિયા મા, કચ્છમાં આશાપુરા માતાજીનો મઢ, નવસારીમાં ઉનાઈ માતા, દેડિયાપાડા પાસે દેવ મોગરા મા, ભાવનગરમાં ખોડીયાર મા, મહેસાણામાં બહુચર મા, ખોડલધામ, ઉમિયાધામ, ગિરનાર ઉપર અંબા મા. આમ અનેક માતાઓ દરેક ખૂણેથી આપણને આશીર્વાદ આપે છે, એમ કહી શકીએ છીએ કે ગુજરાત ઉપર અનેક શક્તિના આશીર્વાદ છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, પંચમહાલમાં પ્રવાસનનું મહત્વ વધશે. પાવાગઢમાં અધ્યાત્મ, ઇતિહાસ, પ્રકૃતિ, કલા, સંસ્કૃતિનો સમન્વય છે. મા કાલીનું મંદિર, જૈન દેરાસરની સાથે સર્વધર્મ સમભાવનું કેન્દ્ર બન્યું છે. પાવાગઢની મુલાકાતે આવનાર વિરાસત વનની પણ મુલાકાત લેશે. પંચમહાલમાં પર્યટનના વિકાસની સાથે સાથે રોજગારીની તકો વધશે. આદિવાસી પરંપરાનો વિકાસ થશે. વનવાસી પટ્ટાને લાભ થશે.


comments powered by Disqus