કારગિલમાં ૬૧ વર્ષ જૂની જમીન પર બૌદ્વ મઠ નિર્માણ આંદોલનથી વિવાદ

Wednesday 22nd June 2022 04:44 EDT
 
 

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં છ દસકા જૂના વિવાદમાં ફરી એક વાર તણાવ વધી ગયો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા કારગિલમાં બૌદ્ધ મઠ નિર્માણને લઈને લેહ અને કારગિલમાં લોકો સામસામે આવી ગયા છે. હકીકતમાં 1961માં જમ્મુ-કાશ્મીર સરકારે કારગિલમાં બૌદ્ધોને 0.25 એકર જમીન આપી હતી. લેહમાં બૌદ્ધ લોકો અહીં મઠ બાંધવા માંગે છે.
લેહના બૌદ્ધ ભિક્ષુ ચોસ્કયાંગ પાલગા રિનપોછે આ મહિનાની શરૂઆતમાં આશરે 1000 લોકો સાથે કારગિલની પદયાત્રા માટે નીકળ્યા હતા. બીજી તરફ, કારગિલના ધાર્મિક, સામાજિક, વિદ્યાર્થી અને રાજકીય સંગઠનોનો મોરચો કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (કેડીએ) તેની વિરુદ્ધ થઈ ગયો. સંઘર્ષની આશંકાને પગલે સ્થાનિક તંત્રે ગયા સોમવારે રિનપોછેના કાફલાને કારગિલથી 35 કિમી પહેલા મુલબેકમાં રોકી દીધો. લેહના એક ભાજપ નેતાએ કહ્યું કે આ વિવાદની માહિતી ગૃહમંત્રી અમિત શાહને અપાઈ હતી. ત્યાર પછી તેમની તરફથી લદાખના ભાજપ સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ થકી રિનપોછેને સંદેશ મોકલાયો. એટલું જ નહીં, આ મામલામાં તેમને ઝડપથી સૌહાર્દપૂર્ણ સમાધાનની પણ ખાતરી અપાઈ.
લેહના એક વેપારીએ કહ્યું કે, બૌદ્ધ બહુમતી વિસ્તાર હોવા છતાં લેહમાં મસ્જિદ છે, પરંતુ કારગિલમાં મઠ માટે જગ્યા નથી. ગેસ્ટહાઉસમાં સમારકામની પણ મંજૂરી નથી અપાતી. બીજી તરફ, કારગિલના એક નેતાએ કહ્યું કે લેહમાં મોટી સંખ્યામાં મુસ્લિમો છે એટલે મસ્જિદ છે. જોકે, બંને પક્ષ વચ્ચે વાતચીત ચાલુ છે.


comments powered by Disqus