નવી દિલ્હીઃ દેશના આગામી રાષ્ટ્રપતિ પદ માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ દ્વારા ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જ્યારે વિરોધ પક્ષે તેમના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાનું નામ જાહેર કર્યું છે.
આ પૂર્વે ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂ સાથે મુલાકાત કરી હતી. આ પછી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે નાયડૂ જ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોય શકે છે. જોકે બેઠક બાદ દ્રોપદી મુર્મુના નામ પર મહોર મારવામાં આવી હતી. બીજી તરફ, વિરોધ પક્ષ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ સિંહાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને આ વાતનો સંકેત આપ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સામેલ થવા માટે તૈયાર છે.
દિગ્ગજોનો ચૂંટણી લડવા ઇન્કાર
અત્યાર સુધીમાં અનેક મોટા નેતાઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી પાછા હટી ગયા છે. આમાં સૌથી છેલ્લું નામ મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીનું છે. તેમણે સોમવારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. વિરોધ પક્ષના મોરચાએ તેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવા ઇચ્છા દર્શાવી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવા નામરજી દર્શાવી હતી. તેમની પહેલાં નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે 15 જૂને નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે. જો ચૂંટણી કરાવવાની જરૂર પડશે તો તે 18 જુલાઈનાં રોજ કરાવવામાં આવશે.
દ્રૌપદી મુર્મુ: એનડીએના ઉમેદવાર
• 2015માં ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લેનારા પ્રથમ મહિલા. • ઓડિશાના બે વખતના ભાજપના ધારાસભ્ય શ્રીમતી મુર્મુ નવીન પટનાયક કેબિનેટમાં મંત્રી હતા. એ વખતે બીજેપીના સમર્થનથી રાજ્યમાં બીજેડીની સરકાર હતી. • કાઉન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી, પછી રાયરંગપુર રાષ્ટ્રીય સલાહકાર પરિષદના ઉપાધ્યક્ષ. • 2013માં પાર્ટીના એસટી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય બન્યાં. • રમા દેવી મહિલા કોલેજ-ભુવનેશ્વરમાંથી આર્ટ ગ્રેજ્યુએટ. બે દાયકા રાજકારણ અને સમાજ સેવામાં વિતાવ્યા.
• ચૂંટાયા તો 64 વર્ષીય દ્રૌપદી મુર્મુ પ્રથમ આદિવાસી મહિલા હશે.
યશવંત સિંહા: વિપક્ષની પસંદગી
• યશવંત સિંહા 1984 માં ભારતીય વહીવટી સેવામાંથી રાજીનામું આપ્યા પછી જનતા પાર્ટીના સભ્ય તરીકે રાજકારણમાં. • વાજપેયી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી હતા. • 1986માં અખિલ ભારતીય મહાસચિવ તરીકે નિયુક્ત થયા અને 1988માં રાજ્યસભામાં ચૂંટાયા. • વીપી સિંહના નેતૃત્વમાં જનતા દળની રચના વેળા મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા. ચંદ્રશેખરની કેબિનેટમાં નવેમ્બર 1990 થી જૂન 1991 સુધી નાણાં પ્રધાન તરીકે કામ કર્યું. • જૂન 1996માં બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા અને માર્ચ 1998માં વાજપેયી દ્વારા નાણામંત્રી બનાવવામાં આવ્યા. • સિંહાએ 2018 માં રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ 2021 માં, તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા.

