મહંમદ બેગડા દ્વારા મંદિર તોડાયાનાં 500 વર્ષ બાદ પહેલીવાર પાવાગઢ શક્તિપીઠ પર ધ્વજા લહેરાઇ

Wednesday 22nd June 2022 04:46 EDT
 
 

પાવાગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કર્યું હતું. આ ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.
મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી નાંખ્યું હતું. એટલું જ નહીં, મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. પરિણામે હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકી નહોતી. આમ 18 જૂને પાવાગઢનો વર્ષોજૂનો ઇતિહાસ બદલાયો હતો. વડા પ્રધાને શનિવારે સવારે મંદિરમાં પૂજા પણ કરી હતી.
પહાડની ટોચને વિસ્તારી વિશાળ પરિસર
રૂ. 137 કરોડના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. 15મી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ પાંચ સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. જેને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરાયું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચને વિશાળ કરી વિશાળ પરિસરનો પાયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ પરિસરના પહેલા અને બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
ગર્ભગૃહને જાળવી મંદિરનું નવનિર્માણ
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતી સાથે ખસેડવામાં આવી છે. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવાયો હોવાથી હવે અહીં 2000 લોકો એકસાથે દર્શન કરી શકશે.
માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ પણ કરાશે. આ સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતો પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.


comments powered by Disqus