ભુજઃ કચ્છના ખેડૂતોએ કચ્છની કેરીઓ વિદેશમાં પહોંચાડી છે. હવે કચ્છની ખેતપેદાશો રેલવે દ્વારા ભારતના ખૂણે ખૂણે પહોંચશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીધામમાં 220 કરોડના ખર્ચે નિર્મિત દેશના એક માત્ર લોકોમોટીવ મેઈન્સટેશનનું ઈ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.
આ પ્રસંગે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ તકે જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા ઘરમાં રહેનારા અને પોતાના ઘરનું સપનું જોનાર માટે તેમજ ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે કે આજે 1.41 લાખ પરિવારોને ઘર મળશે.કચ્છમાં પણ 5 હજાર જેટલા લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી પોતાનું ઘર મેળવશે.કાર્યક્રમમાં મંચસ્થોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રતિકરૂપે 10 લાભાર્થી ગૃહિણીઓને ઘરની ચાવી સોંપાઇ હતી.
કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ઈશીતાબેન ટીલવાણી તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશન અધિકારીઓ, અગ્રણીઓ, વગેરે ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રચાર પસાર માધ્યમના પ્રતિનિધિઓને બેઠક ઉપર રાજકીય અગ્રણીઓ ગોઠવાઇ જતાં અવ્યવસ્થા સજાઇ હતી. જેને કારણે નારાજગી વર્તાઇ હતી.

