મોદીએ હીરાબાના શતાયુપ્રવેશે મિત્ર અબ્બાસને યાદ કર્યા...

મોદીબંધુઓના મિત્ર અબ્બાસ હાલ સિડનીમાં વસે છે

Saturday 25th June 2022 04:50 EDT
 
 

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના શતાયુ પ્રવેશના દિવસે લખેલા બ્લોગમાં તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો છે. અબ્બાસના પિતાનું અવસાન થયા બાદ તેઓ નિરાધાર થઇ ગયા હતા અને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ હતી, તેવામાં મોદી પરિવારે તેમની જવાબદારી લીધી હતી. આ પ્રકારનો ઉલ્લેખ બ્લોગમાં વડા પ્રધાને કર્યો છે.
મોદીના આ મિત્ર અબ્બાસ હાલ ઓસ્ટ્રેલિયામાં પોતાના નાના પુત્ર સાથે રહે છે. જોકે તેમનો મોટો પુત્ર આજે પણ મહેસાણા જિલ્લાના ખેરાલુ પાસેના કેસિમ્પા ગામમાં વસે છે. નરેન્દ્ર મોદીના મોટા ભાઇ સોમાભાઇ મોદીના જણાવ્યા પ્રમાણે તે વખતે અબ્બાસ વડનગરની પાસેના રસૂલપુર ગામે રહેતા હતા. આ ગામ મુસ્લિમ બહુલ વસ્તી ધરાવે છે. નાનપણમાં જ પિતા ગુમાવી દેનારા અબ્બાસ મારા નાના ભાઇ પંકજ મોદીની ઉંમરના હતા અને તેમના મિત્ર હતા. સોમાભાઇ કહે છે કે પિતાનું અવસાન થતાં અબ્બાસને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ થઇ હતી, ત્યારે મારા પિતા દામોદરદાસે તેમની જવાબદારી લઇ તેમને અમારા ઘરે લઇ આવ્યા અને તેમના રહેવાથી માંડીને અભ્યાસ સુધીની તમામ જવાબદારી નિભાવી હતી. અબ્બાસ ભણીગણીને ગુજરાત સરકારના નાગરિક પૂરવઠા વિભાગમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે જોડાયા હતા. હજુ ગયા વર્ષે જ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે અને હાલ તેઓ તેમના નાના પુત્રની સાથે ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે.
સોમાભાઇ જણાવે છે કે અમારા પરિવારની સ્થિતિ પણ તે વખતે આર્થિક રીતે સારી ન હતી, પરંતુ સંવેદનશીલતા અને માનવતાના મૂલ્યો અમારે માટે વધુ હતા તેથી અમે આર્થિક ચિંતા કર્યા વિના અબ્બાસને અમારી સાથે રાખ્યો હતો. નરેન્દ્ર મોદીએ પણ બ્લોગમાં જણાવ્યું છે કે અબ્બાસ માટે ઇદ જેવા તહેવારો વખતે મારાં માતા હીરાબા પકવાન બનાવીને જમાડતા અને અમે સહુ બાળપણમાં સાથે રમીને મોટાં થયાં.


comments powered by Disqus