‘પિતાને જે કંઇ પણ કહેવા માંગો છો એ તેમની સામે વ્યક્ત કરી દો, નહીંતર એક દિવસ ફોન આવશે... અને ત્યારે મોડું થઇ ગયું હશે’

Wednesday 22nd June 2022 04:50 EDT
 
 

મોટિવેશનલ સ્પીકર તરીકે મોટી નામના ધરાવતા ગૌર ગોપાલદાસે ફાધર્સ ડે પર પોતાના પિતા સાથે જોડાયેલા સૌથી મોટા ફેલ્યોરની વાત કરી છે. યુટ્યુબ પર ચાર મિલિયન સબસ્ક્રાઇબર ધરાવતા ગૌર ગોપાલદાસને પૂછવામાં આવ્યું હતું કે, તમે સફળ છો, પરંતુ તમારા જીવનની સૌથી મોટી નિષ્ફળતા કઇ છે? તેમણે આપેલો જવાબ અહીં રજૂ કર્યો છે.

‘આજે દુનિયા મારી સફળતા, ખ્યાતિનો ચળકાટ જુએ છે, પરંતુ આ ચળકાટ પાછળ પસ્તાવાનું અંધારુ પણ છે. આ સફળતા પાછળ નિષ્ફળતા પણ છે. આજે હું મારા જીવનની સૌથી મોટી નિષ્ફળતા તમારી સાથે શેર કરી રહ્યો છું...
વિચારોમાં મતભેદને કારણે મેં જીવન દરમિયાન અનેકવાર પિતા સાથે ઝઘડો કર્યો. અનેકવાર મતમતાંતર થયા. બે-ત્રણ વર્ષ સુધી તેઓની સાથે અબોલાં રહ્યાં પરંતુ ત્યારબાદ ધીરે-ધીરે મને અહેસાસ થયો કે મારી પદ્વતિ ખોટી હતી. ત્યારે હું લંડનમાં હતો. મેં વિચાર્યું કે આ વખતે જ્યારે ભારત જઇશ ત્યારે પિતાને મળીને તેમની માફી માંગીશ. કહીશ કે, હા પિતાજી, હું ખોટો હતો. હું આમ તો દર વર્ષે ભારતની મુલાકાત લેતો હતો, પરંતુ અંત સુધી તેમની સામે તે ત્રણ શબ્દો વ્યક્ત ના કરી શક્યો. હું મારા પિતાને ‘આઇ એમ સોરી...’ના કહી શક્યો. મારા અહંકારે મને એ કહેતા રોક્યો. પછી એક દિવસ માતાનો ફોન આવ્યો.
તેમણે રુદન સાથે કહ્યું કે મારા પિતાનું નિધન થયું છે. એકાએક મને કંઇ જ સમજાયું નહીં. અનેક યાદો આંખોની સામે તસવીરોની જેમ ચાલવા લાગી. મને યાદ આવ્યું કે લંડન આવવા સમયે પિતાજીએ મને પૂછ્યું હતું કે પુત્ર, તારા લેક્ચર્સનું રેકોર્ડિંગ મળશે? મેં કહ્યું, “બીજી વાર લઇને આવીશ.” મેં તાત્કાલિક દરેક લેક્ચર્સ એક પેનડ્રાઇવમાં એડ કર્યા, પરંતુ તે આપવામાં વિલંબ થયો હતો. માતાના ફોન પછી હું ઘરે પહોંચ્યો. પિતાનાં ચરણોમાં માથું રાખ્યું. તેમની હથેળીમાં તે પેનડ્રાઇવ રાખી અને કહ્યું “આઇ એમ સોરી, ડેડી. સોરી, મારે આટલા વિલંબ પછી પરત આવવાની જરૂર નહોતી.”
એક વાત ધ્યાન રાખો કે જે સુખમાં સાથ આપે છે તે સંબંધો હોય છે અને જે દુ:ખમાં સાથ આપે છે તે દેવદૂત હોય છે. મેં પણ બે વર્ષ પહેલાં એક દેવદૂત ગુમાવ્યા છે. મેં મારા પિતાને ગુમાવ્યા અને મારા મનમાં રહેલો આ બોજ ક્યારેય ઘટશે નહીં. એટલા માટે જ કહું છું કે, માતા-પિતા પાસેથી પણ પરફેક્ટ હોવાની આશા ના રાખો. તેઓ પૂજનીય છે, પરફેક્ટ નથી. પરફેક્ટ માત્ર ઇશ્વર હોય છે. આજે ફાધર્સ ડે છે અને હું તમને બધાને કહેવા માંગું છું કે પિતાને જે કંઇ પણ કહેવા માંગો છો, આજે તેમને ગળે મળીને બધું વ્યક્ત કરી દો. જો ગળે ના મળી શકો તો SMS કરી દો. વોઇસ નોટ મોકલી દો.. પરંતુ દિલમાં જે હોય તે વ્યક્ત કરી દો. નહીંતર એક દિવસ તમને પણ ફોન આવશે અને ત્યાં સુધી મોડું થઇ ગયું હશે.”
માતા-પિતા પાસેથી પરફેક્ટ હોવાની આશા ના રાખો
જે સુખમાં સાથ આપે છે તે સંબંધ હોય છે, પરંતુ જે દુ:ખમાં સાથ આપે છે તે દેવદૂત હોય છે. માતા-પિતા પાસેથી પરફેક્ટ હોવાની આશા ના રાખો. તેઓ પૂજનીય છે, પરફેક્ટ નથી. પરફેક્ટ માત્ર ઇશ્વર હોય છે.


comments powered by Disqus