‘શ્રેષ્ઠ વાંચન મજબૂત લોકશાહી માટે અનિવાર્ય શરત’

Friday 24th June 2022 04:51 EDT
 
 

ભાવનગરઃ વિશ્વની કોઈ પણ પ્રજાને સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી હોય તો નાનપણથી જ શાળાઓમાં બાળકો નિયમિત અભ્યાસ ઉપરાંત તેમની ભાષામાં ઉપલબ્ધ સાહસકથાઓ, જીવન ચરિત્રો, પ્રવાસ વર્ણનો વાંચે તે અત્યંત આવશ્યક છે. બીજી મહત્વની વાત એ છે કે શ્રેષ્ઠ સાહિત્ય વાંચન એ મજબૂત લોકશાહી માટે આ અનિવાર્ય શરત છે, તેમ સોમવાર - 20 જૂને આયુષ્યના એકસોમા વર્ષમાં પ્રવેશેલા ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર મહેન્દ્રભાઈ મેઘાણીએ જણાવ્યું હતું.
એક અખબાર સાથેની વાતચીતમાં મહેન્દ્રભાઇએ પ્રવર્તમાન સાહિત્યની સ્થિતિ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્ય અથવા કહો કે વિશ્વની કોઈ પણ ભાષાની ગઈકાલ આજ અને આવતીકાલ તો આશાસ્પદ જ રહેવાની છે કારણ કે એ પેઢી દર પેઢી દરેક ભાષામાં નવા લેખકો, સંપાદકો અને પત્રકારો આવતા રહેવાના છે અને તેને વધાવવા માટે સારા પુસ્તકો વાંચવા માટેની ઉત્સુક પ્રજાનો વર્ગ પણ રહેવાનો જ છે. ગુજરાતી કે અન્ય ભાષામાં સર્વશ્રેષ્ઠ સાહિત્ય સર્જન થયું છે તેને સંપાદિત કરીને, ટૂંકાવીને આજના વાચકો સમક્ષ મૂકવું જોઈએ તે આજના યુગની આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે લેખક-વાચક વચ્ચેનો અતૂટ નાતો નેટના યુગમાં ભુલાવો ન જોઈએ.
દેશની પ્રવર્તમાન સામાજિક સ્થિતિ અંગે તમે શું માનો છો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે આઝાદી પહેલા અને પછીના કેટલાક વર્ષોમાં સામાન્ય પ્રજામાં જે નીતિમત્તા હતી, મહેનત કરવાની ધગશ હતી, એક આદર્શવાદ હતો એની ઊણપ આજે દેખાય છે. આથી જ જીવનમાં સારા સાહિત્યનું ખૂબ જ મહત્વ છે, જેમાં હું ‘સારા’ શબ્દ પર ખાસ ભાર મૂકું છું. કમ્પ્યુટર આવ્યા, મુદ્રણકળાના ઝડપી અને આકર્ષક બની ગઈ પણ સત્વશીલ સાહિત્યની આજે તંગી હોય એવું મને ક્યારેક લાગે છે.
જીવનના કાર્યોને તમે ઉત્તમ ગણાવવાનું પસંદ કરશો તેવા સવાલના જવાબમાં તેમણે ચહેરા પર ચમક સાથે કહ્યું હતું કે ભાવનગરમાં વર્ષોસુધી ‘ફિલ્મ મિલાપ’ની પ્રવૃત્તિ દ્વારા દેશ-વિદેશની સુંદર ફિલ્મો દર્શાવી તે. ઉલ્લેખનીય છે કે લોકમિલાપે પ્રસિદ્ધ કરેલા 200થી વધુ પુસ્તકોના નિર્માણની કામગીરી મહેન્દ્રભાઈના શબ્દ કર્મને આભારી છે.


comments powered by Disqus