અમેરિકામાં પ્લાઝા ગ્રુપના સ્થાપક દર્શક પટેલે ચારૂસેટ હોસ્પિટલમાં રૂ. એક કરોડનું દાન આપ્યું

Thursday 24th February 2022 00:48 EST
 
 

આણંદઃ ચારૂસેટ કેમ્પસમાં અમેરિકા સ્થિત દાતા દર્શક પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ હોસ્પિટલ માટે રૂપિયા ૧ કરોડનું માતબર દાન આપનાર મૂળ આણંદના વતની અને અમેરિકામાં પ્લાઝા ગ્રુપના સ્થાપક દાતા દર્શક જયંતિભાઈ પટેલને દાન ભાસ્કર એવોર્ડથી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં ધરતી એન્ડ દર્શક જે. પટેલ ઈએમટી ડિપાર્ટમેન્ટ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દજરમિયાન સમાજગોષ્ઠિના તંત્રી શરદ પટેલે દાનભાસ્કર એવોર્ડ અને તેની શરૂઆત વિષે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્ય યાત્રામાં અત્યાર સુધીમાં ૨ હજારથી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી ૨૦૦ કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે.
આ કાર્યક્રમાં દાતા દર્શક પટેલને દાનભાસ્કર એવોર્ડ અને સન્માનપુષ્પનું વાંચન ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ કર્યું હતું. ડો. એમ. સી. પટેલના હસ્તે દાતા દર્શક પટેલને શાલ ઓઢાડીને સન્માનપુષ્પથી સન્માન કરાયું હતું. નગીનભાઈ પટેલના હસ્તે દાતા દર્શક પટેલને દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો. અમેરિકામાં પ્લાઝા ગ્રુપના સ્થાપક દાતા દર્શક પટેલ ૩૦ વર્ષથી અમેરિકામા મૉટેલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓમાં સ્વૈચ્છિક સેવા પ્રદાન કરે છે અને શૈક્ષણિક-આરોગ્ય-ધાર્મિક ક્ષેત્રે અનેક સંસ્થાઓને દાન આપેલું છે.


comments powered by Disqus