હાલોલ: વર્લ્ડ હેરિટેજ સાઇટના પાવાગઢના માચી ખાતે આકાર પામનાર ચોકના ડેવલોપમેન્ટના કામ અંતર્ગત ખોદકામ કરતી વખતે આદિકાળ સમયમાં યુદ્ધમાં લશ્કર દ્વારા વપરાતા મોટી સંખ્યામાં તોપના ગોળાઓ અને લોખંડના નાળચા સહિતનો જથ્થો મળી આવ્યો છે. પુરાતત્વ વિભાગના અધિકારીઓને આ માહિતી મળતા દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ખોદકામની કામગીરી અટકાવી હતી. ખોદકામમાં મળેલા ૩૦૦થી વધુ સંખ્યામાં તોપગોળા બીડ ધાતુના અને ૩ થી ૫ કિલોનું વજન ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. પુરાતત્વ ખાતાના અધિકારીઓએ આ તોપના ગોળા અને નાળચા કયા સમયના છે તે જાણવા માટે અભ્યાસ હાથ ધર્યો છે.
મરાઠા યુગ સમયે સિંધિયા સરકારના હોવાનું અનુમાન
પાવાગઢ માચી હવેલી ખાતે ખોદકામ દરમિયાન મળી આવેલ ભોંયરામાંથી મળી આવેલ ટોપ ગોળા સહિતના આવશેષો ૧૭ મી સદી મરાઠા યુગ સમયે સિંધીયા સરકાર વખતે ઉપર હવેલી અને નીચે ભોંયરામાં શસ્ત્રો સરંજામ મુકવા ઉપયોગ કરાતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

