રણોત્સવનું સમાપનઃ ૧.૭૧ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી, તંત્રને રૂ. ૧.૭૬ કરોડની આવક

Wednesday 23rd February 2022 09:25 EST
 
 

ભુજઃ કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ કચ્છનું સફેદ રણ જોવા આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે લોકો ઘરથી દૂર ઘરની લાગણી મેળવવા પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવ્યા હતા અને ધોરડો ખાતે યોજાયેલા રણોત્સવનો આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ છતાં ૧ નવેમ્બરથી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં કુલ ૧,૭૧,૩૬૦ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે ૮૩ જેટલા વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૭,૩૬૦ વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. રણોત્સવમાં કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓ ઉજાગર થયા. રણોત્સવના આયોજનથી તંત્રને કુલ રૂ. ૧.૭૬ કરોડની આવક થઈ છે. ટેન્ટ સિટી સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે રણોત્સવની થીમ ‘રણ કે રંગ’ રાખવામાં આવી હતી અને રણના રંગ ક્યારેય ખતમ નથી થતા, નોંધનીય છે કે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ વર્ષે ઉમટી પડ્યા હતા.


comments powered by Disqus