રશિયન કંપનીની મિટિંગમાં જેક ડ્રોમી સિંહગર્જન કરતા ધસી આવ્યા હતા

કામદાર નેતા સ્વ. જેક ડ્રોમી સાથેના સંભારણા

Thursday 24th February 2022 02:41 EST
 
 

લંડન: આજીવન કામદાર હિતો માટે સમર્પિત કરનાર ૭૩ વર્ષીય બ્રિટિશ સાંસદ જેક ડ્રોમીના નિધને તેમની સાથે કામદાર ચળવળોમાં સંકળાયેલા લોકોને ઊંડા આઘાતમાં ગરકાવ કરી દીધાં હતાં. ૧૯૭૬માં ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે એશિયન સમુદાયના કામદારોના શોષણ સામે ગુજરાતી વીરાંગના જયાબેન દેસાઇએ આંદોલન છેડ્યું ત્યારે જેક ડ્રોમીએ સમર્થન જાહેર કરી આંદોલનને વેગ આપી વિશાળ ફલક પર પહોંચાડ્યું હતું. આ આંદોલન દ્વારા જ જેક ડ્રોમી બ્રિટનમાં એક મજબૂત ટ્રેડ યુનિયન નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
જેક ડ્રોમીએ કામદારો માટે લડેલી લડાઇઓને યાદ કરતાં નટવરલાલ પરમાર કહે છે કે ડ્રોમીના નિધનના સમાચાર વાંચી ઘણું દુઃખ થયું. જયાબેનના આંદોલન માટે જેક ડ્રોમીએ ઉઠાવેલી કામદાર હિતની મશાલ જેવી કોઇ મિસાલ નથી.
ડ્રોમી સાથેના સંસ્મરણો વાગોળતા નટવરલાલભાઇ કહે છે કે જેક ડ્રોમીના માર્ગદર્શનમાં મેં પણ એક રશિયન કંપની સામે બીડું ઉઠાવ્યું હતું. હુ ૧૯૮૨માં કોલિનડેલ સ્થિત રશિયન કંપની ટી.ઓ.ઇ. લિમિટેડમાં ફરજ બજાવતો હતો. કંપનીએ અમારા મેનેજર મિસ્ટર વ્હાઇટને કોઇ કારણસર બરતરફ કરી દીધાં હતાં. યુનિયનમાં સામેલ વ્હાઇટની બરતરફી સામે વિરોધ નોંધાવવા કંપનીમાં આયોજિત મિટિંગમાં મેનેજમેન્ટના સભ્યો અને કામદારો સામેલ થયા હતા. મિટિંગ ચાલી રહી હતી ત્યારે જેક ડ્રોમી આવી પહોંચ્યા હતા.
કંપનીના સિક્યુરિટી અધિકારીઓએ તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો પરંતુ તેઓ સિંહની જેમ ગર્જના કરતા સિક્યુરિટી અધિકારીને ધક્કો મારીને મિટિંગમાં આવી પહોંચ્યાં હતાં. જેક ડ્રોમીએ મિટિંગમાં પડકાર ફેંક્યો હતો કે તમે મારા યુનિયનમાં તમારી કંપનીમાંથી 50 ટકા સભ્યો કરી આપો. રશિયન કંપની યુનિયનની રચનાની વિરોધી હતી.
નટવરલાલભાઇ કહે છે કે કંપનીની નારાજગી સામે પડીને મેં ૫૦ ટકા સભ્યો બનાવી આપવાનું બીડું ઝડપીને મારી મેમ્બરશિપનું ફોર્મ ભરી દીધું હતું. જેક ડ્રોમીએ મને કહ્યું કે તું ૫૦ ટકા મેમ્બર બનાવ. તેમણે મને કાર પાર્કિંગમાં એકાંતમાં મળવા જણાવ્યું પરંતુ મેં કંપનીના કાર પાર્કિંગમાં મળવા અનિચ્છા દર્શાવી ત્યારે તેમણે મને કહ્યું કે કાર પાર્કિંગમાં મુલાકાત કરવાથી કંપની તમને ડિસમિસ કરી શકે નહીં. પરંતુ મેં તેમને નજીકમાં આવેલા મારા ઘરનું સરનામુ આપ્યું અને તેમણે મારા ઘેર આવીને મને તમામ માહિતી આપી હતી. ત્યારબાદ અમે કંપનીમાં યુનિયન બનાવવામાં સફળ રહ્યા હતા.


comments powered by Disqus