ગાંધીનગરઃ ગાંધીનગરના રૂપાલ ગામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાને બુધવારે ૧૫૦૦ ડોલરનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ડોલર અમેરિકાથી એક શ્રદ્ધાળુ દ્વારા મોકલવામાં આવ્યા હતા. ડોલરના શણગાર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વરદાયિની માતાના મંદિરનો ૫૦ કરોડના ખર્ચે વિકાસ કરવાની યોજના જાહેર કરી છે. સદીઓથી અહીં દર વર્ષે માતાજીની પલ્લી નીકળતી હોય છે. જેમાં લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ ઐતિહાસિક નજારો જોવા દેશ વિદેશથી શ્રદ્ધાળુ આવીને દર્શનનો લાભ લેતા હોય છે. દર પૂનમનાં રોજ વરદાયિની માતાજીને વિશેષ શણગાર કરવામાં આવે છે.

