વિશ્વ ઉમિયાધામના સહયોગથી ગુજરાતમાં ‘મિની ઈઝરાયલ’બનશે

Wednesday 23rd February 2022 09:19 EST
 
 

અમદાવાદઃ ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોન-કોન્સેલેટ જનરલ કોબ્બી શોશાણીએ અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધિન વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ખાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન ઈઝરાયલના રાજદૂતે વિશ્વ ઉમિયાધામ સેન્ટર ખાતે 'સેન્ટર ઓફ એક્સલન્સ' સ્થાપવા તેમજ તેની સાથે સંસ્કૃતિ-વ્યવસાયના આદાન પ્રદાન માટે મિની ઈઝરાયેલ બનાવવાની સંકલ્પના કરી છે.
ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોન વિશ્વઉમિયાધામના પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી અભિભૂત થયા હતા. તેઓએ ગુજરાતમાં ઈઝરાયલના નવા નવા ઈનોવેશન અને ટેક્નોલોજી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો અને કહ્યું હતું કે, ' અમે વિશ્વ ઉમિયાધામના સહયોગથી ગુજરાતના પાંચ ગામો દત્તક લઈ ઈઝરાયલનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપીશું. આ સેન્ટર દ્વારા ગુજરાત અને ઈઝરાયલના લોકો સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શન અને ટેક્નોલોજીનો લાભ મેળવી શકશે. સાથે જ આવનાર સમયમાં ઈઝરાયલની ખેતી અને સિંચાઈનીટેક્નોલોજીનો ગુજરાતીઓને લાભ મળશે. '
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ કોબ્બી શોશાણી ચાર વખત વિશ્વઉમિયાધામની મુલાકાત લઈ ચુક્યા છે અને ઈઝરાયલ સાથેની પાર્ટનરશીપ વિશે વિગતે ચર્ચા કરી ચુક્યા છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, 'આ મુલાકાત ગુજરાતના સોશિયોઈકોનોમિકલ સ્તરને વધારશે. ગુજરાતના ગામડાંઓમાં વસતાં પાટીદાર સમાજ અને ખેડૂતો ઈઝરાયલની ટેક્નોલોજીનો લાભ મળશે. '


comments powered by Disqus