હરામીનાળામાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશનઃ વધુ સાત પાકિસ્તાની માછીમારી બોટ ઝડપાઈ

Wednesday 23rd February 2022 09:22 EST
 
 

ભુજ: ભારત પાકિસ્તાનની કચ્છની સંવેદનશીલ અને અટપટી એવી હરામીનાળા સરહદે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા સપ્તાહમાં બીજી વખત સાત પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે. ૧૦મી ફેબ્રુઆરીના બીએસએફ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનમાં એરફોર્સ અને આર્મીની મદદ લઈને ૧૧ પાકિસ્તાની માછીમારી બોટ અને ૬ માછીમારોને દલદલ સહિતના વિસ્તારોમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. ૧૭મીએ ગુરુવારે વધુ ૭ બોટ એ જ વિસ્તારમાંથી મળી આવી છે. હરામીનાળામાં ૩૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગત સપ્તાહે શરૂ થયેલું આ મેગા યુએવી મિશન બીએસએફ દ્વારા ચાલી રહ્યું છે. આ અંતર્ગત બે દિવસ પહેલાં બીએસફના આઈજી સહિતના વરિષ્ઠ અધિકારીઓ હરામીનાળા વિસ્તારમાં ૧૦ કલાક ઘૂમી વળ્યા હતા અને પેટા નાળાઓ કે ચેનલ શોધવા માટે પ્રયાસો કર્યા હતા. દરમિયાન વધુ સાત પાકિસ્તાની માછીમારી બોટ પકડાઈ હતી. સીમા સુરક્ષા દળના જવાનોએ હરામીનાળામાંથી વધુ સાત પાકિસ્તાની બોટ પકડી હતી અને ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અગાઉ ૧૧ બોટ પકડાઈ છે અને વધુ ૭ બોટ પકડાઈ છે. બીએસએફને એવી શંકા છે કે, કુલ ૨૦થી વધુ બોટ છોડીને પાકિસ્તાની માછીમારો ભાગી છૂટયા હતા તેથી આગામી દિવસોમાં વધુ બે બોટ પકડાવવાની સંભાવના છે.
હરામીનાળા એ અટપટો વિસ્તાર છે અને નાળાઓની અંદર સંખ્યાબંધ પેટા નાળાઓ છે અને તેમાં પાણીના વહેણ આધારિત ચેનલ સર્જાતી રહે છે. ભરતીના પાણી આવવાના કારણે અંદર રહેલી બોટ પાણીની સપાટીના આધારે તરી આવતાં વધુ સાત બોટ પકડી શકાઈ છે. ગત સપ્તાહે બીએસએફ, એરફોર્સ અને આર્મીના સંયુક્ત ઓપરેશનમાં માછીમારી હોડકાં પકડવા ઉપરાંત દુશ્મન દેશના માછીમારોને પકડવા એલએમજી ગનથી બર્સ્ટ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ૬ માછીમારોને પકડીને એરલિફ્ટ કરાયા હતા. આ તમામ હાલમાં ભુજના પોલીસ સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (જેઆઈસી)માં છે.


comments powered by Disqus