એર ઇન્ડિયાએ ટિકિટનું બુકિંગ ઓનલાઇન કરતા ટૂર-ઓપરેટર્સનો દેશવ્યાપી વિરોધ

એર ઇન્ડિયાના નિર્ણયનો વિરોધ:AIR INDIAએ ભારતીય ટ્રાવેલ એજન્સીઓને એર ટિકિટ ઇસ્યુ કરવા મનાઈ ફરમાવી, ગુજરાતનાં એસોસિયેશનો લડી લેવાના મૂડમાં

Wednesday 23rd March 2022 09:30 EDT
 
 

ગાંધીનગરઃ કોરોનાકાળનાં બે વર્ષમાં સૌથી વધુ અસર પામેલા પ્રવાસન સેક્ટર માટે ફરી મુશ્કેલી ઊભી થઈ હતી અને હવે ધીરે ધીરે આ સેક્ટર બેઠું થઇ રહ્યું છે. ટાટાએ હસ્તગત કરેલી એરલાઇન્સ એર ઇન્ડિયાએ ઇન્ટરનેશલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન-IATAની માન્ય ટ્રાવેલ એજન્સીઓને એર ટિકિટો ઈસ્યુ કરવા મનાઇ ફરમાવી છે, જેનો ટ્રાવેલ એજન્સી દ્વારા દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ ટૂર-ઓપરેટરો અને એજન્સીઓએ મંગળવારે રાજ્યનાં મોટાં શહેરોમાં આવેલી એર ઇન્ડિયાની ઓફિસે જઇ આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરી હતી. હાલમાં ટૂર-ઓપરેટર્સ એર ઇન્ડિયાનું કેનેડા, ઓસ્ટ્રેલિયા બુકિંગ કરી શકતા નથી.
રાજ્યમાં એર ઇન્ડિયાની ઓફિસે જઈને વિરોધ કરતી રજૂઆત કરાઈ
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા-ટાફીના ગુજરાતના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું કે અન્ય દેશની એરલાઈન્સનું ભારતીય ટ્રાવેલ એજન્સીઓ દ્વારા બુકિંગ કરી શકાય છે ત્યારે એર ઈન્ડિયાનું બુકિંગ ભારતની જ ટ્રાવેલ એજન્સી ન કરી શકે અને અન્ય દેશની ટ્રાવેલ એજન્સી એનું બુકિંગ કરી શકે એ શરમજનક છે. દેશની ટ્રાવેલ ઈન્ડ્રસ્ટ્રીઝ માટે આ મોટું અપમાન છે, એર ઈન્ડિયા સતત તેની મનસૂફીથી બેફામ ભાડા વધારા તેમજ ટ્રાવેલ એજન્સીઓના બુકિંગના હક સાથે વારંવાર ચેડાં કરી રહી છે, એનો ઉકેલ લાવવા ગુજરાતનાં તમામ એસોસિયેશન હવે મેદાનમાં આવ્યાં છે.
એર ઇન્ડિયા બેફામ ભાવે ટિકિટ વેચે છેઃ ટાફી
હાલમાં એર ઇન્ડિયા મનફાવે તેવા ભાવ લઇ રહી છે, કેનેડાની વન-વે ટિકિટના પહેલાં રૂપિયા 50 હજાર કિંમત થતી હતી, એ વધીને એર ઇન્ડિયા રૂપિયા દોઢથી પોણા બે લાખ લે છે. એ જ રીતે અમેરિકાની રૂ 70 હજારમાં પડતી રિટર્ન ટિકિટ હાલમાં બે લાખથી અઢી લાખમાં, ઓસ્ટ્રેલિયાની રૂ.80 હજારમાં મળતી રિટર્ન ટિકિટ હાલમાં પોણા ત્રણ લાખ રુપિયામાં એર ઇન્ડિયા વેચે છે. આ તમામ માર પ્રવાસીઓને જ પડી રહ્યો છે. એર ઇન્ડિયા પોતે જ ટિકિટ મોંઘી વેચીને બીજા પર આક્ષેપ લગાવે એ વાજબી નથી. એરલાઇન્સ જ મોંધી ટિકિટ આપે તો પ્રવાસીઓને એ મોંઘી જ પડે ને, એનાથી ઊલટું હાલમાં એતિહાદ, એમિરેટ્સ અને એર ફ્રાન્સ જેવી એરલાઇન્સ એર ઇન્ડિયા કરતાં રૂ. 50 હજાર ઓછા ભાવે આ દેશોની એર ટિકિટ વેચે છે.
ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સનો પણ વિરોધ
કોરોનાને કારણે બે વર્ષથી પ્રવાસ ઉદ્યોગ ઠપ થઇ ગયો હતો. હવે ઓસ્ટ્રેલિયા અને કેનેડા જનારા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. એવા સંજોગોમાં એજન્ટો વધુ ભાવ લે છે એમ કહીને એર ઇન્ડિયાએ એજન્ટો ટિકિટ વેચાણના નિયમોનું પાલન નથી કરતાં એમ જણાવીને એજન્ટો પર બુકિંગ કરવા મનાઇ ફરમાવી છે, જેને પગલે હવે એર ઇન્ડિયાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર-ઓપરેટર્સ-આઇટો, ગુજરાતના પ્રમુખ રણધીરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમે એર ઇન્ડિયાના નિર્ણયનો વિરોધ કરીએ છે અને હવે જયારે પ્રવાસન ઉદ્યોગને ધંધો મળતો થયો છે ત્યારે એજન્ટને હેરાન કરવામાં આવે એ કેવી રીતે ચાલે. કેનેડા જનારા વિદ્યાર્થીઓ તો લોન લઇ જતા હોય અને તેમને મોંઘી લાખોની ટિકિટનું ભારણ પડે છે. એટલું જ નહીં, ભારત બહારના એજન્ટ એર ઇન્ડિયાની ટિકિટ બુક કરી શકે, આ વલણ પણ યોગ્ય નથી.
એર ઇન્ડિયા દ્વારા એજન્ટોના હિત વિરુદ્ધના નિર્ણયનો વિરોધ
આઇટોના જણાવ્યા અનુસાર, અમે ટ્રાવેલ એજન્ટો અને ટ્રાવેલ એસોસિયેશનો એર ઇન્ડિયા દ્વારા એજન્ટોના હિત વિરુદ્ધ એકતરફી લેવાયેલા ગેરકાયદે નિર્ણય સામે વિરોધ કરતાં એર ઇન્ડિયાને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી એર ઈન્ડિયા દ્વારા કેનેડાની અને ઓસ્ટ્રેલિયાની ટિકિટોના બુકિંગ ઓનલાઈન કરી આઇટો-ટ્રાવેલ કંપનીઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર ટિકિટ બુકિંગ માટેના એક્સેસ બંધ કરી દેવામાં આવ્યાં છે, જેને કારણે કોવિડ પછી માંડ થાળે પડેલી ટ્રાવેલ ઈન્ડ્રસ્ટ્રીઝ પર એર ઈન્ડિયા દ્વારા મોટી તકલીફ ઊભી કરવામાં આવી છે અને અત્યારે હજારો કર્મચારીઓને પગાર આપવાનું પણ મુશ્કેલ પડી રહ્યું છે. દેશને આત્મનિર્ભર બનાવી દેશની પ્રગતિ માટે મહેનત કરી રહ્યા છે ત્યારે એર ઇન્ડિયા દ્વારા પોતાની મનસૂફીથી લેવાયેલા ગેરકાયદે નિર્ણયને અમે સખત શબ્દોમાં વખોડીને તાત્કાલિક આઇટો સિસ્ટમ પર એર બુકિંગ શરૂ કરવા વિનંતી કરી છે.
પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલાં તમામ એસોસિયેશનનો વિરોધ
પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલાં મોટા ભાગનાં એસોસિયેશન એર ઇન્ડિયાનો વિરોધ કરવા એકસાથે મોરચો માંડ્યો છે. એમાં ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા-TAFI, ટ્રાવેલ એજન્ટ ઓફ ગુજરાત-TAG, એસોસિયેશન ઓફ ડોમેસ્ટક ટૂર-ઓપરેટર ઓફ ઇન્ડિયા-ADTOI, ઇન્ડિયન અસોસિયેશન ઓફ ટૂર-ઓપરેટર-IATO, ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ એસોસિયેશન એક્સપર્ટ IATTE, વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન-VTAA ઉપરાંત અન્ય એસોસિએશન જેવાં કે TAAR,SATA,RAAG,TAAS એર ઇન્ડિયાના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.
એજન્ટો ઊંચા ભાવે ટિકિટ વેચે છેઃ એર ઈન્ડિયા
એર ઇન્ડિયા દ્વારા લેવાયેલા નિર્ણય અંગે મીડિયામાં એવું જણાવાયું છે કે એજન્ટો નિર્ધારિત ભાવ કરતાં ઊંચા ભાવે ટિકિટ વેચતા હતા અને ટ્રાવેલ એજન્ટો નિર્ધારિત ભાવે બ્લોક ટિકિટ ખરીદી લેતા હતા અને પછી ટિકિટો ચાર ગણા ભાવે વેચતા હતા. અમે પ્રવાસીઓને ટિકિટો મોંઘી ના પડે એ માટે ડાયરેક્ટ ઓનલાઈન ટિકિટ બુક કરવાનું પગલું લીધું છે.

એક પ્રવાસીની ગંભીર ફરીયાદ

એક પ્રવાસીએ અમને પત્ર અને પુરાવાઓ મોકલીને ગંભીર ફરીયાદ કરી છે કે, ભારતમાં એર ઇંડિયાના સ્ટાફને લીધે લંડનથી જનારા અને પાછા આવનારા પ્રવાસીઓને ભારે હૈરાનગતિનો સામનો કરવો પડે છે. આ મુદ્દો અમે એર ઇંડિયાના યુકે અને યુરોપના રીજનલ મેનેજર સુહાસ જાધવ સમક્ષ મુક્યો તો તેમણે ત્વરિત જવાબ આપતા જણાવ્યું કે તેઓ ઇંડિયાની ટીમ સાથે વાત કરીને આ બાબતમાં ગુજરાત સમાચારને વહેલી તકે અવગત કરાવશે.


comments powered by Disqus