કેન્યાના ઉપપ્રમુખ દ્વારા નબળાં નેતૃત્વ માટે ઉહુરુ કેન્યાટાની ટીકા

Wednesday 23rd March 2022 09:35 EDT
 
 

નાઈરોબીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિંગાને સમર્થન આપવાના નિર્ણય બદલ કેન્યાના ઉપપ્રમુખ વિલિયન રૂટોએ પ્રમુખ ઉહુરુ કેન્યાટાની ટીકા કરી હતી. રૂટોએ આક્ષેપ કર્યો હતો કે કેન્યાટાની આર્થિક નીતિઓને લીધે કેન્યા ખોટી દિશામાં જઈ રહ્યું છે. રૂટોએ ઉમેર્યું કે તેઓ પ્રમુખપદે ચૂંટાશે તો 30 દિવસની
અંદર આ ગેરવ્યવસ્થાને નિશ્ચિત કરશે.
કેન્યાટાએ 2013માં પ્રમુખપદ સંભાળ્યુ ત્યારે કેન્યાનું જાહેર દેવું લગભગ $17 બિલિયનનું દેવું હતું તે વધીને $61.32 બિલિયન થયું તે સંદર્ભે તેમણે આ નિવેદન આપ્યું હતું. ગયા મંગળવારે નેશનલ ડેલિગેશનની બેઠકમાં રૂટોને તેમના નવા પક્ષ યુનાઈટેડ ડેમોક્રેટિક અલાયન્સ પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરાયા હતા. આ બેઠકમાં દેશના 5,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
2017ની ચૂંટણી વખતે આપેલાં વચનોનું પાલન ન કરવાનો અને રાજકીય હરિફોને હેરાન કરવા માટે સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
2018માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિંગાએ કેન્યાટા સાથે શાંતિ સમજૂતી કરી ત્યારથી કેન્યાટા સાથે રૂટોના સંબંધો વણસવા લાગ્યા હતા. શાંતિ સમજૂતીને લીધે એવી અટકળો ફેલાઈ હતી કે ત્રીજી વખત ચૂંટણી લડી ન શકનારા કેન્યાટાના અનુગામી તરીકે ઓડિંગાને પ્રમુખ બનાવવા બન્નેએ સમજૂતી કરી હશે. સૂચિત બંધારણીય સુધારા દ્વારા અમલદારશાહીને વિસ્તારવાની કેન્યાટા અને ઓડિંગાની યોજના હશે જેમાં કેન્યાટાને વડા પ્રધાન તરીકે સત્તા પર ટકી રહી શકશે.


comments powered by Disqus