NRGના ધામા, 25 હજારથી વધુ લોકો આવ્યા વિદેશથી

વિદેશથી મોટાપ્રમાણમાં ધસારાને પગલે હવાઈભાડાંમાં થયો મોટો વધારો

Wednesday 23rd November 2022 07:40 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બે મહાપર્વની ઉજવણી થવા જઈ રહી છે. પહેલો વિધાનસભાની ચૂંટણીનો લોકશાહીનો પર્વ અને બીજો છે વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિની જ્યોતિને અખંડ રાખવાનો પ્રયાસ કરનારા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન (બીએપીએસ)ના પ્રમુખસ્વામીની જન્મશતાબ્દીનો મહોત્સવ. આ બેવડા મહાપર્વનો લાભ લેવા માટે ગુજરાત અને દેશ બહાર વસી રહેલા સેંકડો ગુજરાતીઓએ વેળાસર વતનની વાટ પકડવાની તૈયારી કરી લીધી છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની ચહલપહલ વધતી જાય છે, ત્યારે આ ચૂંટણીમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ ભારે રોમાંચમાં છે. અહેવાલ અનુસાર આશરે 25 હજાર એનઆરજી (નૉન રેસિડેન્ટ ગુજરાતી) પ્રચારમાં સામેલ થવા માટે ગુજરાત આવી રહ્યા છે. ફોરેન કોન્ટેક્ટ વિભાગના કન્વીનર દિગંત સોમપુરાના જણાવ્યા પ્રમાણે ચૂંટણી યોજાય છે ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો સ્વદેશ આવે છે. પીએમ મોદીના ગુજરાત કનેક્શનના કારણે આ વખતે પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ સ્વદેશ આવી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી ચૂંટણીનાં પરિણામોને લઈને વધુ રોમાંચ સર્જાયો છે.
એનઆરજી માત્ર ચૂંટણી દરમિયાન જ વતનની ચિંતા કરે છે એવું નથી. પોતાના વતનમાં સુવિધાઓ વધારવા માટે કરેલાં કામોને કારણે એનઆરજીનું વતનમાં વિશેષ માન હોય છે. આ સન્માનને કારણે જ તેઓ પોતાના વતનમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવતા હોય છે. સોમપુરાના જણાવ્યા પ્રમાણે હાલ અમેરિકામાં 20 લાખ ભારતીયો વસે છે, જેમાંથી 11થી 12 લાખ જેટલી સંખ્યા ગુજરાતીઓની છે. ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી અને પ્રમુખ સ્વામી જન્મશતાબ્દી મહોત્સવના કારણે ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા તથા અન્ય દેશોમાંથી ગુજરાતીઓ આવી રહ્યા છે. આગામી દિવસોમાં ફિઝી, કેનેડા, અમેરિકા તથા અન્ય દેશોમાંથી વધુ ગુજરાતીઓ સ્વદેશ પહોંચશે. વિદેશનું નાગરિકત્વ હોવાથી એનઆરઆઇ ભારતમાં મતદાન કરી શકતા નથી પણ વતન પ્રત્યેની લાગણીને કારણે તેઓ ચૂંટણી સહિતના પ્રસંગોએ સ્વદેશ આવે છે. જો કે એવા પણ ઘણા ગુજરાતીઓ છે જેમણે હજુ પોતાના દેશની નાગરિકતા ત્યજી નથી. તેથી તેઓ પણ મતદાન કરવા માટે ગુજરાત આવે છે.
વાસુદેવ પટેલે કહ્યું હતું કે, વિદેશમાં વસતા ગુજરાતીઓ બે સ્ટ્રેટેજીથી પ્રચાર કરે છે. એકમાં તેઓ વતનમાં પહોંચીને ગામેગામ ફરીને ગ્રાઉન્ડ પર પ્રચારમાં જોડાય છે, તો અન્ય સ્ટ્રેટેજીમાં તેઓ સોશિયલ મીડિયા સહિતનાં માધ્યમોથી ઑનલાઇન પ્રચાર કરે છે.
લાંબા સમયથી ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, બ્રિટન, આફ્રિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ સહિતના દેશોમાં વ્યવસાય, ધંધા-રોજગાર અને અભ્યાસ માટે વસે છે તેવા લોકોની સંખ્યા કરોડોમાં છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અચૂક આવનારા બિનનિવાસી ગુજરાતીઓનો વર્ગસમૂહ હજારોમાં જાય છે. આ જ કારણથી રાજકીય પક્ષોમાં એનઆરઆઇ માટેના વિશેષ સેલ હોય છે.
અમેરિકામાં ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા તુષાર પટેલ જણાવે છે કે, ન્યૂજર્સીથી જ મોટી સંખ્યામાં સત્સંગીઓ હાલ મોટા પ્રમાણમાં અમદાવાદ પહોંચી રહ્યા છે. એકસાથે મોટા પ્રમાણમાં ગુજરાત આવવા માટે ફ્લાઇટ બુક થઈ રહી હોવાથી ભાડાંમાં વધારો થયો છે.


comments powered by Disqus