અપક્ષોનો હરિરસ ખાટો... સૌરાષ્ટ્રની 37 બેઠકો ઉપર ઉમેદવારોની સંખ્યામાં ઓટ

Tuesday 22nd November 2022 08:59 EST
 

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ફોર્મ પાછા ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકો માટે કુલ 452 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. કુલ 48 બેઠકોમાં મોરબી બેઠક ઉપર સૌથી વધારે 17 ઉમેદવારો વચ્ચે જંગ લડશે. જ્યારે ગોંડલ બેઠક ઉપર સૌથી ઓછા માત્ર 4 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. 2017ના સાપેક્ષમાં આ વખતે જામનગર દક્ષિણ, મહુવા, ભાવનગ પૂર્વ, ભાવનગર પશ્ચિમ, બોટાદ, માંગરોળ, રાજુલા, મોરબી, તાલાલા, ઉના, ધ્રાંગધ્રા અને કુતિયાણા બેઠકો પર ઉમેદવાર સંખ્યા વધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002માં 361, 2007માં 418, 2010માં 514, 2017માં 578 ઉમેદવારો વચ્ચે જંગ થયો હતો. મુખ્ય પક્ષો તરફથી ઉમેદવાર સંખ્યા યથાવત રહી અને આ વખતે તમામ બેઠકો પર આપના ઉમેદવારો ઉમેરાયા છે તે છતાં અંકદરે ઉમેદવાર સંખ્યા ઘટી તે આ પરથી એવું કળી શકાય છે કે છેલ્લા થોડા વર્ષોમાં અપક્ષ ઉમેદવારો ભાગ્યે જ ચૂંટણી જીતી શક્યા હોવાથી, અથવા તો ચૂંટણી લડવા ઉત્સુકો જ હવે ઓછાં રહ્યા હોવાથી આમ બન્યું છે. જો કે, રાજકીય વિશ્લેષકોમાંથી જાણવા મળ્યા મુજબ, કેટલીક બેઠકો પર પ્રતિસ્પર્ધીના મતો કપાય એ માટે તેમજ પોતાને (અંદરખાને) ચૂંટણી એજન્ટો વધુ સંખ્યામાં મળી રહે એ માટે મુખ્ય પક્ષો પોતે જ અમૂક અપક્ષને ઊભા રાખતા હોય એ ટ્રેન્ડ પણ ઘટ્યો કહી શકાય! ગત ચૂંટણીમાં રાજકોટ, પશ્ચિમ, જસદણ, લીંબડી, વઢવાણ, ખંભાળિયા, ગઢડા, પાલીતાણા, જામનગર ગ્રામ્ય અને જામનગર ઉત્તર બેઠકમાં ઉમેદવાર સંખ્યા 14-14 કરતા વધુ હોવાથી ઈવીએમનાં બે-બે બેલેટ યુનિટ રાખવા પડ્યા હતા, જ્યારે આ વખતે મોરબી, રાજુલા, લીંબડી અને ભાવનગર પશ્ચિમમાં જ એની જરૂર પડી છે.


comments powered by Disqus