અમદાવાદઃ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર ગ્રાઉન્ડ સિસ્ટમ ખોરવાતાં 10 જેટલી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી અને તેના નિયત સમય કરતાં 2 કલાક સુધી મોડી પડી હતી. પિકઅવર્સમાં સાંજે 5:40 વાગ્યે ઇનલાઇન બેગેજ સિસ્ટમ ઠપ થઈ જતાં 10 જેટલી ફ્લાઇટ નિર્ધારિત સમયે ટેકઓફ થઈ શકી નહોતી. ઇનલાઇન બેગેજ સિસ્ટમ બંધ થઈ જતાં મુસાફરોનો સામાન બેલ્ટ પર જ અટવાઈ ગયો હતો. ચેકઇન કાઉન્ટર પર મુસાફરોની લાંબી લાઇનો લાગતાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.
સિસ્ટમને અપગ્રેડ કરાઈ છતાં બેલ્ટમાં ખામી સર્જાઈ
પિકઅવર્સમાં જ ઇનલાઇન બેગેજ સિસ્ટમ બંધ થઈ જતા મુસાફરો અને એરલાઇનનો સ્ટાફ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. વારંવાર આવું થવા છતાં કાયમી ધોરણે ઉકેલ આવતો ન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 મહિનામાં 15થી વધુ વખત એકની એક ખામી સર્જાઈ છે. એરપોર્ટ પર ઇનલાઇન બેગેજ સિસ્ટમ ચેકઇન કાઉન્ટર પરથી મુસાફરોનો સામાન સીધો બેગેજ મેકએપ એરિયામાં પહોંચી જાય છે, જ્યાંથી સીધો ફલાઇટમાં લોડ થાય છે. આ સિસ્ટમમાં યાંત્રિક ખામી સર્જાતાં ત્રણ કલાક સુધી બંધ રહી હતી, જેની વૈકલ્પિક વ્યવસ્થા પણ જોવા મળી નહોતી. આ કારણે એરપોર્ટ પર પેસેન્જર્સ વચ્ચે ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં. શનિવારે પણ 45 મિનિટ સુધી સિસ્ટમ ઠપ રહી હતી. એક કિસ્સો એવો પણ પ્રકાશમાં આવ્યો છે કે, બિઝનેસ ક્લાસમાં મુંબઈ જતા પેસેન્જરની બેગ રહી ગઈ હતી, જેને એરલાઈને બીજી ફ્લાઇટમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.
એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવાં દૃશ્યો
કન્વેયર બેલ્ટ સિસ્ટમ બંધ રહેતાં ડોમેસ્ટિક એરપોર્ટ પર રેલવે સ્ટેશનની જેમ ભીડ જામી હતી. લગભગ 3 કલાક સુધી સિસ્ટમ ઠપ રહી હતી. લગેજનો ભરાવો થઈ ગયો હતો.

