આ દેશ મૂળ આદિવાસીઓનોઃ રાહુલ

Wednesday 23rd November 2022 07:44 EST
 
 

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું ત્યારેથી કોંગ્રેસના એક્શનની રાહ જોવાઇ રહી હતી.જો કે કોંગ્રેસ સાઇલન્ટ મોડમાં કામ કરતી હોય તે પ્રકારની ચર્ચાઓ થતી હતી. કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ ચૂંટણીના જંગમાં ખાસ દેખાતા નહોતા. ત્યારે હવે ચૂંટણીને 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની જંગમાં પ્રથમ વાર દેખાયા છે. સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટ સભા સંબોધવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોનું અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં આપમાં આંટો મારી આવેલા અને રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરમાં રાહુલ ગાંધીની માફી માગી હતી. રાહુલ ગાંધીએ સભામાં જણાવ્યું હતું કે, અહીં મોરબીમાં દુર્ઘટના બની તે સમયે પત્રકારોએ મને કહ્યું કે તમે શું વિચારો છો. તો મેં કહ્યું 150 લોકોનાં મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું. મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર થાય છે. ભાજપ સાથે સારો સંબંધ છે એટલે કંઈ નહીં થાય
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો કહે છે કે રાહુલજી વાત સમજમાં આવતી નથી. દેશના ત્રણ-ચાર અબજોપતિ બિઝનેસમેન લાખો રૂપિયાની લોન લે છે અને માફ થઈ જાય છે. અમે તો 50 હજાર કે 1 લાખ રૂપિયાની લોન લઈએ છીએ તો આપણી લોન કેમ માફ થતી નથી. ખેડૂતો ધિરાણ ન ભરે તો તેને ડિફોલ્ટર જાહેર કરાય છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં પૈસા નાખે છે. પાક નિષ્ફળ જાય છતાં એક રૂપિયો મળતો નથી. આ બધું સાંભળીને ઘણું દુઃખ થાય છે.

હું ભટકી ગયો હતોઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માગતાં જણાવ્યું હતું કે, રાહુલજી સ્ટેજ પરથી લોકો સમક્ષ હું માફી માગુ છું. હું તમારી માફી માગું છું, વર્ષોથી મારી પેઢી કોંગ્રેસ સાથે હતી, વચ્ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્યો ગયો હતો. ત્યાં જઈ ખબર પડી કે તે કટ્ટર ઇમાનદાર નથી, તેઓ કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેઓ કટ્ટર દેશભક્ત નથી પણ દેશવિરોધી છે. હું ભટકી ગયો હતો.


comments powered by Disqus