ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર પરિવારવાદ આંખે ઊડીને વળગી રહ્યો છે. ગુજરાત વિધાસભા 2022ની ચૂંટણીમાં 2 પૂર્વ મુખ્યમંત્રીના પુત્રોને પણ ટિકિટ આપવામાં આવી છે, જે કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. 1985થી 1989 સુધી ગુજરાતના મુખ્યમંત્રીપદે આરૂઢ રહી ચૂકેલા અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને કોંગ્રેસ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ટિકિટ આપવામાં આવી છે. તો 1996થી 1997 સુધી મુખ્યમંત્રીપદે રહેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને પણ કોંગ્રેસ દ્વારા અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ 10 વખત કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ પુત્રની ટિકિટ માટે બંડ પોકાર્યો હતો અને આખરે અસંતોષ થતાં પાર્ટીને અલવિદા કહી દીધું. જો કે મોહનસિંહ રાઠવાના રાજીનામું આપ્યાના તુરંત બાદ તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે છોટાઉદેપુર બેઠક પરથી ટિકિટ આપી છે.
