પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય નેતાઓ દ્વારા ગુજરાતની વિધાનસભા ચૂંટણીને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક કેન્દ્રીય નેતાઓ વારંવાર ગુજરાતમાં ચૂંટણી સભાઓ માટે આવી લોકસંપર્ક કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ફરી એકવાર ત્રિપાંખિયો જંગ બનવા જઈ રહી છે, જો કે આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીજંગમાં જોડાતાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય નેતાઓ કોઈ લાપરવાહી કરવા માગતા નથી.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના અતિવ્યસ્ત ચૂંટણી અભિયાનની શરૂઆત 20 નવેમ્બરે કરી. જેમાં તેમણે 3 દિવસમાં જ 8 સભાને સંબોધિત કરી ઉપરાંત રોડ-શૉ પણ કર્યા. જો કે પ્રધાનમંત્રી મોદી આ પહેલાં વલસાડના કપરાડાથી જ પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી ચૂક્યા હતા, જ્યાં તેમણે પોતાના ચૂંટણી અભિયાનને એક નવો નારો આપ્યો - ‘આ ગુજરાત અમે બનાવ્યું છે.’ આ ઉપરાંત મોદીએ ભાવનગરમાં સમૂહલગ્નમાં પણ હાજરી આપી હતી, જ્યાં 522 દીકરીઓનાં લગ્ન થયાં.
વડાપ્રધાન મોદીનો મેરાથોન ચૂંટણી પ્રચારઃ કોંગ્રેસનો ગઢ તોડવા મેદાને મોદી
પ્રધાનમંત્રી મોદીના આ બીજા ચૂંટણી પ્રવાસ દરમિયાન તેઓ સૌપ્રથમ સોમનાથ જઈ પૂજા-અર્ચના કરી. કોંગ્રેસના ગઢ સૌરાષ્ટ્રને તોડવાના મિશન સાથે આવેલા નરેન્દ્ર મોદીએ સોમનાથદાદાના આશીર્વાદ લીધા બાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાઓ કરી. ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠકો એટલે મહત્ત્વની છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેના પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. આ સિવાય પ્રધાનમંત્રીએ 21 નવેમ્બરે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી, જે બાદ નવસારી અને જંબુસરમાં પણ જનસભા સંબોધી. આ તમામ જનસભાઓ બાદ વાપીમાં નરેન્દ્ર મોદી દ્વારા એક રોડ-શૉનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
Pmએ સોમનાથથી જ કેમ શરૂ કર્યો ચૂંટણી પ્રવાસ ?
પ્રધાનમંત્રી મોદીએ20 નવેમ્બરે સોમનાથદાદાનાં દર્શન કરી પોતાના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી. ભાજપની સફરની વાત કરીએ તો તેમાં સોમનાથ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીની મજબૂતીનાં મૂળિયાં પણ સોમનાથમાં જ માનવામાં આવે છે. સોમનાથથી શરૂ થયેલી રથયાત્રા બાદ જ ભાજપ રાષ્ટ્રીય પાર્ટી બની હતી. આ સિવાય જોવા જઈએ તો સોમનાથ જિલ્લાની તમામ 4 બેઠક પર કોંગ્રેસનો કબજો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ ચારેય બેઠકોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. વિધાનસભા 2022ની ચૂંટણીમાં જ્યારે ભાજપ સૌથી વધુ બેઠકો મેળવી રેકોર્ડ સર્જવા માગે છે, ત્યારે ભાજપ માટે આ તમામ 4 બેઠક જીતવી જરૂરી બની જાય છે. સોમનાથની તમામ બેઠકો પર ભાજપ ધીમા પગલે આગળ વધી રહ્યું છે, જેમાં તલાળા બેઠક પર કોંગ્રેસમાંથી વિજય મેળવી ચૂકેલા ભગા બારડ આ વખતે ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતરી ગુજરાતમાં
ગુજરાતના વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી સંગ્રામમાં ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓની ફોજ મેદાને ઉતારી દીધી છે. ભાજપની આ ફોજમાં 15 રાષ્ટ્રીય નેતાઓ અને 3 રાજ્યોના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અને સંગઠનના 14 મોટા નેતાઓ દ્વારા યુદ્ધના ધોરણે રેલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે.

