જી-20 સમિટમાં હવે ભારત યજમાનઃ કાશ્મીર સહિત દેશમાં 200 બેઠકો થશે

Wednesday 23rd November 2022 07:13 EST
 
 

નવી દિલ્હીઃ ભારતે હવે જી-20નું અધ્યક્ષપદ સંભાળ્યું છે. આ સાથે જ ભારતમાં જી-20 સમિટની બેઠકો યોજવા માટેનું આયોજન શરૂ થઇ ગયું છે. ભારતમાં પહેલી ડિસેમ્બરથી જી-20ની વિવિધ બેઠકો યોજાવાનું શરૂ થશે, જે આખું વર્ષ ચાલશે. દેશમાં કાશ્મીર સહિત અનેક સ્થળો પર આ બેઠકો યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતના અધ્યક્ષપદ હેઠળ જી-20ની બેઠકો માટે તાજેતરમાં વડા પ્રધાન મોદીએ એક ઓનલાઈન કાર્યક્રમમાં કમળ સાથેનો નવો લોગો, થીમ અને વેબસાઈટ લોન્ચ કર્યા હતા. જી-20 દુનિયાના વિકસિત અને વિકાસશીલ 20 દેશોનું એક જૂથ છે, જેમાં ભારત, અમેરિકા સહિતના દેશોનો સમાવેશ થાય છે. જી-20 જૂથમાં સામેલ દેશોના અર્થતંત્ર દુનિયાના 85 ટકા જીડીપી સમકક્ષ છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તેમનો હિસ્સો 75 ટકા છે.
જી-20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તૂર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus