માણસા ભાજપના ઉમેદવારની અધધ રૂ.461 કરોડની સંપત્તિ

Tuesday 22nd November 2022 06:19 EST
 
 

અમદાવાદઃ ભાજપે માણસા વિધાનસભા બેઠક પરથી જયંતીભાઈ સોમાભાઈ પટેલને ટિકિટ આપી છે. ઉમેદવારી નોંધાવતાં જયંતી પટેલે રજૂ કરેલી એફિડેવિટથી લોકોનાં મોં ખુલ્લાંનાં ખુલ્લાં જ રહી ગયાં. જયંતી પટેલે રજૂ કરેલી એફિડેવિટમાં તેઓની ગતવર્ષની આવક 44 લાખ અને તેમની પાસે રૂ.1.5 કરોડનાં વાહનો હોવાનું જણાવાયું છે. આ સાથે જયંતીભાઈએ રૂ.117 કરોડની જંગમ મિલકત દર્શાવી છે. તો તેમનાં પત્નીના નામ રૂ.23.86 કરોડની જંગમ મિલકત દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત તેઓ પાસે સ્થાવર મિલકતમાં ખેતી અને બિનખેતી ઉપરાંત કોમર્શિયલ મિલકત ધરાવતા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે, જેનો હાલની બજાર કિંમત મુજબ આંકડો રૂ.343 કરોડ છે. એટલે કે જયંતીભાઈ સોમાભાઈ પટેલ પાસે સ્થાવર અને જંગમ મિલકત મળી કુલ રૂ.461 કરોડની સંપત્તિ છે. જેમાં તેમનાં પત્ની અને આશ્રિતોના નામની સંપત્તિ ઉમેરતાં રૂ.661 કરોડની રકમ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી મિલકત હોવા છતાં તેમના હાથ પરની રોકડ રકમ રૂ.87 હજાર જ દર્શાવવામાં આવી છે. ભાજપના ઉમેદવાર જયંતીભાઈ સોમાભાઈ પટેલ ખેતી અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા છે. ભાજપના જયંતીભાઈ પટેલની સામે માણસા બેઠક પરથી કોંગ્રેસના બાબુસિંહ ઠાકોર છે, જેમણે પોતાના નામે 67 લાખની સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે.

આ ઉપરાંત પાદરામાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવનાર અને ભાજપ સામે બળવો કરનાર પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુમામા) પાસે કુલ રૂ.65.75 કરોડની સંપત્તિ છે. એટલું જ નહીં તેઓ પાસે મર્સિડીઝ અને ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ કાર સાથે અડધા લાખની વેમ્બલી રિવોલ્વર પણ છે.
વાઘોડિયામાં ભાજપ સામ બળવો કરનારા ધારાસભ્ય અને બરોડા ડેરીના પૂર્વ ચેરમેન, છેલ્લી 6 ટર્મથી ધારાસભ્ય રહેનાર મધુભાઈ અને તેમનાં પત્ની સહિત આશ્રિત પાસે રૂ.9.54 કરોડની સંપત્તિ છે. આ સિવાય તેમની પાસે વેમ્બલી સ્કોન રિવોલ્વર છે, જેની કિમત રૂ.25 હજાર આંકી છે.
આ ઉપરાંત પજેરો કાર, ઇનોવા, ટુ-વ્હીલર અને રાડો ઘડિયાળ છે. મહત્ત્વની વાત એ છે કે મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક અને પુત્રી નીલમે ડમી ઉમેદવારી કરી હતી. રૂ.31.76 કરોડનો આસામી દીપક સ્વરક્ષણ માટે પિતાની જેમ વિદેશી રિવોલ્વર પણ રાખે છે. આ ઉપરાંત હીરાજડિત બ્રેસલેટ સાથે 15 તોલા સોનાના દાગીના છે.
છેલ્લી સાત ટર્મથી સતત ધારાસભ્ય એવા માંજલપુરના યોગેશ પટેલને આ વખતે ફરી એકવાર ભાજપે ટિકિટ આપી છે. વર્ષ 2017માં તેમના અને તેમની પત્ની સરોજબેનના નામે કુલ રૂ.20,81,74,744ની સંપત્તિ હતી, જે હવે વધીને રૂ. 33,86,32,127ની થઈ ગઈ છે. એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં રૂ.13 કરોડનો નોંધપાત્ર વધારો થયો છે. કરજણમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રિતેશ પટેલને ટિકિટ આપી છે. નાણાં ધિરધારનો ધંધો કરતા પ્રિતેશ પટેલ અને તેમનાં પત્ની પાસે કુલ રૂ.3.47 કરોડની સંપત્તિ છે.


comments powered by Disqus