નવી દિલ્હી: સીરીયાના વિદેશમંત્રી ડો. ફૈઝલ મેકદાદ ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓએ ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર સાથે મંત્રણા યોજી હતી. ડો. મોકદાદે અંગ્રેજી વેબસાઇટ વિયોનને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતની ભારોભાર પ્રશંસા કરી હતી તેઓએ કહ્યું હતું કે, જ્યારે 2013, '14 અને '15માં સીરીયાના પાટનગર દમાસ્કસમાં આતંકી હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે એકમાત્ર ભારતીય દૂતાવાસ જ એવું હતું કે જ્યાં આંતકી હુમલા થયા ન હતા અને દૂતાવાસની કામગીરી યથાવત્ ચાલી રહી હતી.
ડો. મેકદાદે કહ્યું કે, દિલ્હીથી દમાસ્કસની ફ્લાઇટ 4 કલાક જેટલી જ છે, તેથી અંદાજ લગાડી શકાશે કે બંને દેશો કેટલા નજીક છે. આ સાથે આતંકવાદને વખોડી કાઢતા તેમણે કહ્યું હતું કે, જે ભારત માટે ખતરનાક છે, તે સીરીયા માટે પણ ખતરનાક છે. ભારત અને સીરીયા બંને ધર્મનિરપેક્ષ દેશ છે, બંને દેશો લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, નાગરિકો અને લોકતંત્રના પાયા ઉપર રચાયેલા સંબંધો સદીઓ સુધી ટકી રહે છે. સીરીયાના લોકોના મનમાં ભારતીયો માટે ઘણું માન છે અને હું પણ જ્યાં જાઉં ત્યા ભારતીયો મારું સન્માન કરે છે.

