અમદાવાદ: ‘રસ કી રચના... રસના’ના હુલામણા સ્લોગન સાથે ‘રસના’ બ્રાન્ડને પ્રચલિત કરી ભારતમાં વસેલા પારસી સમાજના અનેરા રતન કરીકે પંકાયેલા પ્રસિદ્વ દાનવીર અને તમામ સમાજના હિતચિંતક પારસી ઉદ્યોગપતિ અરીઝ પિરોજશા ખંભાતાનું જઇફ વયે નિધન થતાં પારસી જરથ્રોસ્તી સમાજમાં ભારે ગમગીની ફેલાઈ હતી.
અરીઝ ખંભાતા દીનદુખિયાંના દાતા અને પોતાના પારસી સમાજની પરંપરાઓને જાળવી રાખવા તનતોડ પ્રયત્નો કરનારા અરીઝ ખંભાતા વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઇરાની જરથ્રોસ્તી સંસ્થાના કર્ણધાર ઉપરાંત પારસી સંસ્કૃતિ અને રૂઢિઓના પ્રખર હિમાયતી હતા. અમદાવાદ પારસી પંચાયતના માજી પ્રમુખ સહિત અનેકવિધ સંસ્થાઓ સાથે તેઓ સંક્ળાયેલા હતા. અરીઝ ખંભાતા ‘રસના’ના પ્રારંભના સમયે ખભે થેલો નાખી દુકાને દુકાને ફરી રસના સોફ્ટડ્રિંક્સની બોટલનું વેચાણ કરતા હતા. તેમની પ્રોડક્ટ ‘રસના’ને વિશ્વફ્લક સુધી પહોંચાડી મોટાગજાના ઉદ્યોગપતિએ રસના ઇન્ડસ્ટ્રીઝનું નામ વિશ્વના અનેક દેશોમાં ગૂંજતું કર્યું છે. તેમના નિધનથી પારસી સમાજ સહિત બાળકોને પ્રિય ઉદ્યોગને મોટી ખોટ વર્તાશે, તેઓના પરિવારમાં પત્ની પર્સિસ અને સંતાનો પીરુઝ, રુઝાન અને દેલ્તાનો સમાવેશ થાય છે.

