કચ્છની દરિયાઇ,ક્રીક અને રણ સરહદને રેલવેથી જોડવાની કવાયત

Tuesday 24th May 2022 13:46 EDT
 

ભુજઃ ૧૩ વર્ષથી અટકેલા ભુજ-નલિયા રેલવે બ્રોડગેજ પ્રોજેક્ટમાં છેલ્લા એકાદ વર્ષથી નોંધપાત્ર પ્રગતિ થયા બાદ રેલવે દ્વારા તાજેતરમાં જ ૧૫૫ કરોડના દેશલપરથી નલિયા વચ્ચે રેલવે લાઇન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરહદી વિસ્તારોમાં સંરક્ષણ અને ઔદ્યોગિક હેતુ માટે રેલવે દ્વારા ત્રણ રૂટ પર સર્વેના ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યાં છે. જેમાં હયાત દેશલપરથી હાજીપીર (વાયા નખત્રાણા), નલિયાથી જખૌ પોર્ટ અને વાયોરથી લખપત (વાયા કોટેશ્વર) સુધીના રૂટ પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. કચ્છના પરિપ્રેક્ષ્યમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ અાયોજન છે. આ રૂટ પર લાઇન પાથરવામાં આવે તો કચ્છની દરિયાઇ, ક્રીક અને રણ સરહદનું રેલવેથી જોડાણ શક્ય બનશે. રેલવે દ્વારા દેશલપર સુધી માલગાડીનું પરિવહન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધીધામ એરિયા કચેરી દ્વારા તાજેતરમાં દેશલપરથી નલિયા સુધી નવી લાઇન પાથરવા ૧૫૫ કરોડના ટેન્ડર બહાર પાડ્યા હતાં. તેવામાં વધુ એક મહત્વપૂર્ણ કામ રેલવે દ્વારા હાથ ધરાયું છે.. રેલવે દ્વારા કચ્છના સરહદી દરિયાઇ, ક્રીક અને રણ સરહદને સાંકળી લેતા ત્રણ સંભવિત રૂટ પર સર્વેના કામને લીલીઝંડી આપી દીધી છે. આ કામ માટે ૨.૪૩ કરોડનું ટેન્ડર બહાર પાડી દેવાયું છે. વાયોરથી લખપત સુધી રેલવે લાઇનથી છેક ક્રીક બોર્ડર સુધી રેલવે લાઇન પહોંચવાની સાથે યાત્રાધામો પણ રેલવેથી જોડાશે. 


comments powered by Disqus