ખેડા-માતરમાં 500થી વધુ માલેતુજાર બોગસ ખેડૂત ખાતેદાર બની બેઠા

Tuesday 24th May 2022 14:37 EDT
 
 

અમદાવાદઃ હાથમાં પાવડો ય પકડ્યો ન હોય તેવા માલેતુજારો હવે ભ્રષ્ટ, તલાટી, મામલદાર અને મહેસૂલ અધિકારીઓના મેળાપિપણાથી ખેડૂતે ખાતેદાર બની બેઠા છે. ખેડા જિલ્લાના માતર અને આસપાસના ગામડાંઓમાં કુલ મળીને 500થી વધુ લોકો ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બન્યા છે. એક જ વિસ્તારમાં સામૂહિક બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હોવાની બાતમી મળતાં જ રાજ્ય મહેસૂલ વિભાગે માતરમાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે અને બોગસ ખેડૂત ખાતેદારના દસ્તાવેજોની ચકાસણી કરવા મહેસૂલ વિભાગની ટીમો ત્રાટકી છે. મહેસૂલ વિભાગના મેગા ઓપરેશનને કારણે બોગસ ખેડૂતો ભૂગર્ભમાં ઉતરી પડ્યા છે. ખોટા દસ્તાવેજો આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનીને ખેતીની જમીન ખરીદીને મોટું રોકાણ કરવામાં આવે છે અને ખેતીની જમીનોને બીનખેતી કરાવીને મોટો નફો રળવામાં આવે છે. આ મામલે જાણ થતાં રાજ્ય મહેસૂલ વિભાગે ખેડા જિલ્લાના માતરમાંથી બોગસ ખેડૂત ખાતેદાર બનવાનું કૌભાંડ શોધી કાઢ્યું છે.


comments powered by Disqus