ભુજઃ ગાંધીધામ જીએસટી કમિશ્નરના ઘર પરિવારનો અંગત મામલો આજે જગ જાહેર ચઢયો હતો. જીએસટી કમિશ્નર આનંદ કુમાર પુલપાકાનની પત્ની આજે દીકરીને લઈને ગાંધીધામમાં જીએસટી ભવન સામે પતિ વિરુદ્ધ ધરણા પર બેસી ગઈ હતી. પત્ની રત્નાએ આક્ષેપ કર્યો હતો કે, પતિ આનંદકુમાર 20 વર્ષથી અન્યાય કરી રહ્યા છે. પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવાની માંગણી કરી પ્લેકાર્ડ પ્રદર્શિત કરતા કચેરી સંકુલમાં જોવા જેવી થઈ હતી.
જીએસટી કમિશ્નર આનંદ કુમારની નિતી રિતીથી કંટાળીને પત્ની રત્ના આજે ગાંધીધામ જીએસટી કમિશ્નર કચેરી સામે ધરણા પર બેસી ગઈ હતી. પતિને સુચક સંદેશો આપવા 'આદમી બનો, અમને પાછા રાખો' જેવા કટાક્ષયુકત પ્લેકાર્ડ ધરણા સ્થળે પ્રદર્શિત કર્યા હતા.
રત્ના પુલપાકાએ આક્ષેપ કર્યા હતા કે, પતિ આનંદકુમારે તેને છુટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરી લીધા છે. બીજા લગ્નાથી તેમને બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનોની સાથે રહે છે. મને અને મારી દીકરીને ઘરમાંથી કાઢી મુકયા છે. હું અને મારી દીકરી પતિ સાથે રહેવા ઈચ્છીએ છીએ. જાણવા મળે છે કે, થોડા સમય પહેલા આનંદકુમારે પત્ની રતનાથી છુટાછેડા લેવા આંધ્ર પ્રદેશની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જો કે, રત્નાએ છુટાછેડા આપવાનો ઈન્કાર કર્યો હતો અને પતિ સામે ભરણ પોષણનો દાવો દાખલ કર્યો હતો.
