અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો હજુ અંતિમ તબક્કામાં છે આ અગાઉ ગુજરાતને માથે જળસંકટ ઘેરાયું છે. ગુજરાતના જળાશયોમાં હાલમાં માત્ર 44.91% જળસ્તર છે. જેમાં ઉત્તર ગુજરાતમાં માત્ર 13.19% જ્યારે કચ્છમાં માત્ર 15.36% જ જળસ્તર રહ્યું છે. આમ, ઘટતા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા છે.
ગુજરાતના જળાશયોમાં પાંચમી એપ્રિલ સુધીમાં 52.93% જળસંગ્રહ હતો. જેમાં દોઢ મહિનામાં 7 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પાંચ એપ્રિલની જ સ્થિતિએ ઉત્તર ગુજરાતના 16 જળાશયોમાં 16.16 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 68.03%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.39 ટકા જ્યારે કચ્છના 20 જળાશયોમાં 23.22 ટકા જળસંગ્રહ હતો. જેની સરખામણીએ હાલ ઉત્તર ગુજરાતમાં 13.19 ટકા, મધ્ય ગુજરાતમાં 38.95 ટકા, દક્ષિણ ગુજરાતમાં 52.06 ટકા, કચ્છમાં 15.36 ટકા અને સૌરાષ્ટ્રમાં ૩૦.૦૩ ટકા જળ સંગ્રહ છે. આમ, ચોમાસું મોડું બેસે તેવી સ્થિતિમાં ગુજરાતમાં જળસંકટ વધુ ઘેરું બની શકે છે.
ગુજરાતના પાંચ જળાશયો હાલમાં એવા છે જ્યાં જળસંગ્રહ 20 ટકાથી પણ ઓછો છે. જેમાં સિપુ, હાથમતિ, બ્રહ્માણી, દાંતિવાડા, ઉંડ-1 અને વાત્રકનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના સિપુમાં માત્ર 0.44%નો જળસંગ્રહ રહ્યો છે. ગુજરાતના અન્ય મોટા ડેમમાંથી શેત્રુંજીમાં 32.62%, ધરોઇમાં 17.85 ટકા, મચ્છુ-1માં 23.39 ટકા, મચ્છુ-2માં 55.95 ટકા, કરજણમાં 60.96 ટકા, ભાદરમાં 41.93 ટકા , દમણગંગામાં 42.31 ટકા અને ઉકાઇમાં 52.69 ટકા જળસંગ્રહ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 10 થી 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઇ શકે છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહે તેવી સંભાવના છે.

