ગુજરાતમાં દારૂનું વ્યસન ધરાવતી મહિલાઓના પ્રમાણમાં બમણો વધારો

Tuesday 24th May 2022 13:20 EDT
 
 

અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે તેમ છતાંય ચિંતાજનક વાત એ છે કે, રાજ્યમાં મહિલાઓમાં દારૂનું દૂષણ વકરી રહ્યું છે. એટલું જ નહીં, દારૂનું વ્યસન ધરાવતી મહિલાઓનું પ્રમાણ બમણું થયું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ-5ના રિપોર્ટમાં એવા તારણો બહાર આવ્યા છે કે ગુજરાતમાં 0.6 ટકા મહિલાઓ દારૂ પીવે છે. આ પ્રમાણ અગાઉ 2015ના ગાળામાં 0.3 જેટલું હતું. તેમાં શહેરો કરતાં ય ગામડાઓમાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા વધુ છે.
ગુજરાતમાં દારૂબંધની ઢોલ પીટવામાં આવી રહ્યાં છે છતાંયે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો તો દારૂ પકડાય છે. આ જોતાં પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં રહી છે. આ તરફ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના રિપોર્ટમાં એવાં તારણો બહાર આવ્યા છે કે ગુજરાતમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં મહિલાઓ દારૂની વ્યસની છે. આ જિલ્લામાં દારૂ પીનારી મહિલાઓની ટકાવારી 4.6 છે. આ ઉપરાંત અન્ય જિલ્લાની સરખામણીમાં તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મહિલાઓ વધુ પ્રમાણમાં દારૂ પીવે છે જે ચિંતાજનક છે. રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને બનાસકાંઠામાં દારૂની વ્યસની મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. ગુજરાતમાં દારૂનું વ્યસન ઓછું થાય તે માટે નશાબંધી વિભાગ ઉપરાંત સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પણ ફરક પડ્યો નથી.


comments powered by Disqus