અમદાવાદઃ રાજ્યમાં વાતાવરણમાં અસહ્ય પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉતરોતર ગરમીમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટીની અસર વર્તાતા ગરમીનાં અને તાપમાનનાં આ ઘટાડા સાથે તેજ પવન ફુંકાવા લાગ્યો છે. ધુળની ડમરીઓ ઉડે છે. તેમજ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી અસહ્ય બાફ થાય છે. વાતાવરણમાં પલટા સાથે રાજકોટ જિલ્લામાં મેઘાની એન્ટ્રી થઈ ચુકી છે. રાજકોટ શહેરમાં આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજે પાંચ વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઢેબર રોડ, યાજ્ઞીક રોડ, યુનિવર્સિટી રોડ, જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, આજીડેમ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં 4 MM, વેસ્ટ ઝોનમાં 0 MM અને ઇસ્ટ ઝોનમાં 13 MM વરસાદ નોંધાયો છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ઉનાળુ પાક તલ, બાજરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

