વેરાવળઃ સોમનાથ નજીકના દરિયા કિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. જોકે, ગીર સોમનાથ જિલ્લા પોલીસના જાંબાઝ પોલીસ કર્મીએ સાહસિકતા અને સમય સુચકતા બતાવી મહિલાનો જીવ બચાવી લીધો હતો. આમ, ખાખીની સંવેદનશીલતા સામે આવતા લોકોએ બિરદાવી આવકારી હતી. આ ઘટનાને લઈ એએસપી ઓમપ્રકાશ જાટે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, ગઇકાલે સાંજે ચાર વાગ્યે એક જાગૃત નાગરીકે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, એક મહીલા સોમનાથ મંદિરની પાછળના સમુદ્રમાં પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. જે માહિતીને લઇ તુરંત જ ટાઉન બીટ પો.હે.કોન્સ. મનોજગીરીએ સ્થળ પર દોડી જઈ દરીયામાં મહીલાને જોઈ તુરંત જ પોતે દરીયામાં કુદી મહીલાને બહાર કાઢી હતી. જે બાદ પોલીસ વાનમાં સ્ટેશન ખાતે લઇ આવ્યાં હતા. જયાં મહીલા કોન્સ. ભગવતીબેન, મહેન્દ્રભાઇ ભર્ગાની હાજરીમાં મહિલાને આત્મહત્યા કરવાનું કારણ પુછતા કૌટુંબીક ઝગડો હોવાને લીધે માનસીક ટેન્શનમાં હોવાથી જીંદગીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
