પાલનપુરઃ નડિયાદમાં તાજેતરમાં ડેટા એન્ટ્રીના નામે કરોડો રૂપિયા લોકો પાસેથી ખંખેર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 20 હજાર કરતાં વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલાની બનાસકાંઠા એલસીબી પોલીસે ધરપકડ કરી છે.
નડિયાદ શહેરના ડભાણ રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરીથી થોડે જ દૂર માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સીની ઓફીસ આવેલી છે. આ એજન્સીએ લોભામણી લાલચો આપી ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી નાણાં ખંખેરવાનું કૌભાંડ આચર્યુ છે. અંદાજિત 22 હજાર કરતા વધુ લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. જેમાં નડિયાદ, અમદાવાદ, વડોદરાના નાગરીકોના નાણાં ફસાયા છે. આશરે 150 કરોડ જેટલી માતબર રકમનું ફૂલેકું ફેરવી માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલા ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યા બાદ મુખ્ય સૂત્રધાર આરોપી રાહુલ વાઘેલાની બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ભૂર્ગભમાં ઉતરેલા રાહુલ વાઘેલા રાજસ્થાન તરફ ભાગવા જતા ધાનેરા બોર્ડર પરથી પોલીસે ધરપકડ કરી છે. આ બાદ જરૂરી કાર્યવાહી કર્યા પછી આરોપીને નડિયાદ ગ્રામ્ય પોલીસમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો?
નડિયાદમાં માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની ફ્રોડ કંપની ચાલતી હતી. જેમાં અંદાજિત 22 હજાર લોકોએ 25 થી 90 હજારની આઈ ડી બનાવી 150 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી. જેટલી વધારે રકમ જમા કરાવો તેટલું જ વધારે વળતર મળશે તેવી લોભામણી જાહેરાત કરતા લોકોએ જોયા જાણ્યા વગર આ કંપનીમાં રોકાણ કરતા હતા. શરૂઆતમાં સારું વળતર આપ્યા બાદ છેલ્લા ત્રણ માસથી લોકોના પૈસા આવવાના બંધ થઈ જતા આખરે લોકોએ હોબાળો મચાવ્યો હતો.

