ભાજપે નેતાઓને શ્રી કમલમે બોલાવીને કહ્યું - રૂ. 200 કરોડથી વધારે ભેગા કરો

Tuesday 24th May 2022 13:23 EDT
 
 

ગાંધીનગર: ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે દિવસભર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષપદે કારોબારીની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, કામગીરી અને જવાબદારીઓની વહેંચણી કરવા ઉપરાંત 300થી વધુ નેતાઓને ચૂંટણી લડવા રૂ.200 કરોડથી વધારે ફંડ એકત્ર કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
ભારતમાં સૌથી વધુ આર્થિક સંપત્તિ અને ફંડ માત્ર ભાજપ પાસે છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્વે તેના ખર્ચને પહોંચી વળવા ‘વ્હાઈટ મની’ અર્થાત ચેકથી જ રૂ.200 કરોડથી વધુનું ફંડ એકત્રિત કરવાનું કહેવાયુ છે. ભાજપમાં આ પ્રકારના ફંડ એકત્રિકરણને ‘નિધિ સંગ્રહ’ એવુ નામ અપાયુ છે. મીડિયા સમક્ષ પ્રદેશ મહામંત્રી રજનીકાંત પટેલે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર પોતાના બળ ઉપર આગળ વધે છે અને આર્થિક રીતે પાર્ટીને પણ આગળ લાવે એ ઉદ્દેશ્યથી કાર્યકર્તા અને શુભેચ્છકો પાસેથી ચેક દ્વારા સહયોગ (આર્થિક રકમ) આપશે. બધા જ કાર્યકરો રૂ.200 કરોડ કરતાં વધુ રકમ એકત્રિત થાય તેવુ આયોજન કરશે'. ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે ભાજપ ધનદાન કે નિધિ સંગ્રહ જેવા નામે ઉદ્યોગપતિઓ, ડેવલપર્સ, વેપારીઓથી લઈને સામાન્ય મતદારો પાસેથી ફંડ ઉઘરાવતું રહ્યું છે.


comments powered by Disqus